________________
(૪) અનંત સુખધામ
દાદાશ્રી : ઉલ્લાસ વધારે થાય છે એય આત્માનો સ્વભાવ ન્હોય ને જે ડાઉન થાય છે (ઘટી જાય છે) તેય આત્માનો આનંદ ન્હોય. એ દૃષ્ટિફેરનો રોગ છે. તે ઊંચે-નીચે જાય છે તેય પાડોશી ચંદુભાઈને ત્યાંનો છે માલ. આત્મા તો તે સ્વાભાવિક આનંદમાં રહે છે.
૯૫
પ્રશ્નકર્તા : એટલે જે અતિરેક આનંદ અમુક થાય એ છે તે હોય નહીં એ, પણ એના જેવો દેખાવ કરે.
દાદાશ્રી : એ જે અતિ થાય તેય આપણે હોય. આપણા પાડોશીને જે ડાઉન થઈ જાય છે તેય (આપણે) નહીં. આ તો બધા પાડોશીના ગુણધર્મ છે, અતિ થવું, નીચે જવું, ઘટવધ થવું. એનાથી (જુદા રહીને) પોતે પોતાના ઘરમાં જ મુકામ રાખવો. એટલે ત્યાર પછી મોઢા પર આનંદ આવશે. કો'કને એમ લાગશે કે ભઈ કંઈક નવી જાતની શોધખોળ લાવ્યા છે ! કંઈક છે, આમની પાસે કંઈક છે ! મૂળ વસ્તુમાં આવો ઉલ્લાસ વધઘટ થાય એ આત્મવિભાગ નથી.
પ્રશ્નકર્તા : આનંદ એ આત્માનો અન્વય ગુણ ગણાય છે ને ?
દાદાશ્રી : હા, આનંદ એ તો આત્માના સહચારી ગુણોમાંનો એક ગુણ છે, અન્વય ગુણ છે. આત્મા જાણ્યા પછી આત્માનો શુદ્ધ પર્યાયિક આનંદ ઉત્પન્ન થાય છે. તે ક્રમે ક્રમે વધતો વધતો સંપૂર્ણ દશાને પામે છે. જેમ બહારના બધા જ સંજોગોમાંથી મુક્ત થઈ ગયા પછી ઠેઠ કેવળજ્ઞાન થતા સુધી અમુક ભાગ શુદ્ધ પર્યાયમાં ના રહે. કેવળજ્ઞાન પછી જ્યારે બધા જ (ભાગ) શુદ્ધ પર્યાયોમાં આવી જાય, પછી એ મોક્ષે જાય.
પ્રશ્નકર્તા : પૂર્ણસ્વરૂપ થાય તેનું શું કર્તવ્ય ?
દાદાશ્રી : ચંદ્રને પડવો બીજ, ત્રીજ એમાં એનું શું કર્તવ્ય ? જેટલું આવરણ તૂટ્યું તેટલું અજવાળું આપે.
બધા ફેઝીઝ જતા રહે પછી પૂર્ણ આત્મા તે આનંદનો કંદ છે ને આખી દુનિયા પોતાનામાં ઝળકે. એ દુનિયામાં ના ઝળકે, જેમ અરીસામાં ઝળકે તેમ. પછી અવલંબન ના લે.