________________
૯૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
ત્યાંથી પછી આવવાનું નહીં પાછા. ફરી કર્મ લાગે નહીં. એને ત્યાં નર્યું પરમાનંદ સુખ ભોગવવાનું, કાયમનું. પોતાના સ્વાભાવિક ગુણમાં જ, સુખમાં જ રહ્યા કરવાનું. અને આ બધાને ત્યાં જ જવાનું છે જ્યારે ત્યારે.
સ્વાભાવિક સુખને માટે નહીં જરૂર શરીરની પ્રશ્નકર્તા: પણ એ સુખની પછી જો શરીર ના હોય ત્યાં, તો સુખની ખબર કેમ પડે ?
દાદાશ્રી : આ દેહ છે ને, એટલે જ સુખ ખબર નથી પડતી. આ દેહને લઈને તો સુખ બિલકુલ ખબર નથી પડતી. આ આપણે જે સુખ કહીએ છીએ એ સાચું સુખ નથી. એ તો શાતા વેદનીય છે, અને દુઃખ તે અશાતા વેદનીય છે. આ સાચું સુખ નથી. સાચું સુખ તો સનાતન સુખ, જે સુખ આવ્યા પછી જાય જ નહીં.
પ્રશ્નકર્તા: પણ એ સુખની ખબર કયા અંગને પડે ?
દાદાશ્રી : અંગ જોઈએ જ નહીં. આ અંગને (ખબર) પડે છે ને એ વેદનીય કહેવાય. એ (પેલું) સ્વાભાવિક સુખ છે.
સ્વાભાવિક એટલે એ પોતે જ આનંદથી ભરપૂર છે. આ તો બીજામાંથી આનંદ લેવા નીકળ્યો છે કે આમાંથી આનંદ લઉં કે આમાંથી આનંદ કે જલેબીમાંથી લઉં ! તે પોતે આરોપ કરે છે (માટે) જલેબીમાં આનંદ લાગે છે, નહીં તો ના લાગે. ઊલટું દુઃખ લાગે. એટલે વસ્તુઓમાં આનંદ નથી. પોતાનો આનંદ એમાં નાખે છે ઊલટો.
પ્રશ્નકર્તા: એ દેહ વગરના સુખનો અનુભવ અત્યારે કેવી રીતે થાય ?
દાદાશ્રી: દેહ વગરના સુખનો અનુભવ પોતે ચિંતવન કરે પણ એ દેહ તો છે જ જોડે, એટલે એ સુખ પેલા જેવું ના થાય. એ તો આના ઉપરથી આપણે હિસાબ કાઢવાનો કે અહીં જો આટલું બધું સુખ છે તો ત્યાં કેવું સુખ હશે !