________________
(૪) અનંત સુખધામ
૮૩
દાદાશ્રી : ના, આનંદ અને (ભૌતિક) સુખમાં તો બહુ ફેર. આત્માનું સનાતન સુખ એ જોયેલું નહોય, એનો પડછાયો પણ જોયો નહોય.
પ્રશ્નકર્તા : આનંદ અને સુખ એ બે વચ્ચે શું ફેર છે એ જરા સમજાવો ને ?
દાદાશ્રી : (આ સંસારના) સુખ એ વેદના છે, એક પ્રકારની વેદના છે. એ જો સુખ વધી જાય તો દુઃખ થાય. આઈસ્કીમમાં તને સુખ મળે, એ આઈસ્ક્રીમ ખૂબ ખવડાય ખવડાય કરે તો શું થાય તને ? એટલે એ સુખ પોતે વેદના છે. સુખેય વેદના છે ને દુ:ખેય વેદના છે.
આ સુખ-દુઃખ કહે છે તે ખરેખર સુખ-દુઃખ નથી પણ શાતાઅશાતા છે, વેદનીય છે. એ બેઉ વેદનીય છે. વેદનીય એટલે બેઉ દુઃખ છે. શાતા ઠંડક આપે અને અશાતા ગરમી આપે. બહુ ઠંડક આપે તેય દુઃખ છે.
બરફને અડીએ તે ઠંડું લાગે. તે ગરમીમાં ઠંડું લાગે એટલે સુખ થાય. શિયાળામાં ઠંડું લાગે તો દુઃખ થાય. એટલે આ સુખ અને દુઃખ એ વેદના છે. આ સુખને) શાતા વેદનીય કહે છે અને દુ:ખને) અશાતા વેદનીય કહે છે. અને આનંદ એ તો સ્વભાવ પોતાનો. નિરંતર આનંદ, એક ક્ષણવાર આઘોપાછો ના થાય.
એટલે આ સંસારનું સુખ ને દુઃખ એ તો કલ્પનાઓ જ છે. પોતે જ અનંત સુખનું ધામ છે. એમાંથી જ બધું સુખ નીકળે છે. તે આ બધું સંસારનું, એ એમાંથી આરોપિત કરેલું સુખ છે.
પ્રશ્નકર્તા ઃ તો દાદા, સાચું સુખ કોને કહેવાય ?
દાદાશ્રી : જે સુખ વધારે ભોગવવાથી દુઃખરૂપ થઈ પડે, એ સુખ સાચું સુખ નથી. જે સુખ કાયમ ભોગવતો હોય પણ દુઃખરૂપ ના થઈ પડે એનું નામ સાચું સુખ. એટલે આત્માનું જે સુખ છે એ સનાતન સુખ છે.
પ્રશ્નકર્તા : સુખ અને આનંદ અને શાશ્વત સાથે મળી શકે ? દાદાશ્રી : સુખ તો હોય કે ના હોય, આનંદ શાશ્વત મળી જશે.