________________
૮૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
સુખ. એ તો આત્મા જાણ્યા વગર ઉત્પન્ન થાય જ નહીં. આ તો જ્ઞાની પુરુષ મળે તો એ પોતાના સુખનું ભાન કરાવે. એટલે પછી સુખ વર્યા કરે.
જ્ઞાની પુરુષ પોતાનું શાશ્વત સુખ, અનંત સુખનો કંદ જે છે તે ચખાડી દે. એટલે નિજ ઘર મળતા જ શુદ્ધ ચિત્ત એ જ શુદ્ધાત્મા પ્રાપ્ત થઈ જાય.
“આઈ (હું)માં ઈન્ટરેસ્ટ આવે તો નર્યું સુખ જ છે. સુખનું ધામ છે, પરમ સુખનું ધામ ! અનંત સુખનું ધામ, જે સુખ આવ્યા પછી ક્યારેય પણ દુઃખ હોય જ નહીં. ફાંસીએ ચઢાવે તોય નહીં. ફાંસીએ ચઢાવે તો ફાંસીએ ચઢનારો ચઢે છે, જાણનારો જાણે છે. પુદ્ગલ ફાંસીએ ચઢે, આત્મા કોઈ દહાડો ફાંસીએ ચઢે નહીં. આ અંબાલાલને તમે ગાળો ભાંડો, માર મારો તો મને અસર થતી નથી. કારણ બે તદન જુદા રહે છે. ફાંસીએ ચઢાવો તોય મને વાંધો નથી. મારી ઈચ્છા ના હોય પણ છતાં તમે બધા ચઢાવો તો પછી એનો વાંધો નથી. કારણ મારે પાડોશી (તરીકે) એટલું તો રાખવું પડે કે મારી ઈચ્છા ના હોવી જોઈએ. એમણે મને, મારા ધક્કા ખાધા છે, મારું કામ કર્યું છે. એટલો ઉપકાર તો મારે માનવો પડેને ! પાડોશી તરીકે રહે છે આ. તો તમે ચંદુભાઈની જોડે પાડોશી તરીકે રહેશો ત્યારે ત્યાં આગળ સનાતન અનુભૂતિ થાય.
પરમાનંદ ગુણથી અનુભવાય આત્મા પ્રશ્નકર્તાઃ આ સનાતન અનુભૂતિ એટલે આવી સૂક્ષ્માતિસૂક્ષ્મ વસ્તુ છે, એની અનુભૂતિ કેવી રીતે થાય ? પ્રત્યક્ષ કેવી રીતે દેખાય ?
દાદાશ્રી : તમે આત્મા છો એ સનાતન અનુભૂતિ થાય. અને એ આત્માની અનુભૂતિ કેવી રીતે હોય ? આત્મા નિરાકારી છે, અમૂર્ત છે. કોઈ વસ્તુથી દેખાય નહીં એવો છે. અને પ્રત્યક્ષ દેખવાનો પ્રયત્ન કરવો એ ગુનો છે. તો કહે, કેમ ઓળખાય? ત્યારે કહે, એ અનુભવથી. એના પરમાનંદ નામના ગુણથી પ્રગટ થાય.