________________
(૩.૧) અનંત શક્તિઓ કઈ ? કેવી ?
મન ના સ્થિર થતું હોય, તેય થયા કરે. ગમે તેવી ખરાબ પોઝિશનમાંય ‘દાદા ભગવાનને નમસ્કાર કરું છું બોલજો. કારણ કે ચૌદ લોકનો નાથ મેં જાતે જોયો છે. એનામાં શું શક્તિ નહીં હોય, અનંત શક્તિનો જે ધણી છે ! તો (હવે) બોલશો એવું ?
આ જે તમે અનંત શક્તિ છે એમ બોલો છો, તે શક્તિ કેટલી? કોના જેવું રૂપક છે? નાના છોકરાને આપણે પૂછીએ કે દરિયો જોવા ગયો હતો ? કેવડો મોટો હતો ? તો તે તેના હાથ પહોળા કરે તેટલો જ દેખાડે, તેવું આપણા મહાત્માઓનું છે. પણ આત્મામાં ગજબની શક્તિ છે ! અનંત શક્તિ છે ! આખું બ્રહ્માંડ ડોલાવે તેટલી શક્તિ છે ! પણ તેને તેના ઘરના ધણીને જોતા ન આવડે, તેને કોઈ શું કરે ?
પોતે તો અનંતાનંત શક્તિઓનો ભંડાર છે, માત્ર ભાન થવું જોઈએ. ભાન થયા પછી શક્તિઓ પ્રગટ કરી લેવી જોઈએ.