________________
(૩.૧) અનંત શક્તિઓ કઈ ? કેવી ?
પ્રશ્નકર્તા ઃ તમે એકવાર કહ્યું'તું કે જો પોતાનો વિશ્વાસ ના ગુમાવે તો આત્મા વૈભવ સાથે જ હોય છે. એને પોતાનામાં વિશ્વાસ નથી હજુ.
૫૯
દાદાશ્રી : ના, ના, એ વૈભવ જ છે. આત્મા છે તો વૈભવ હોય જ પણ તે પોતાને ઠેકાણે જ નથીને હજુ ?
પ્રશ્નકર્તા ઃ નહીં. આત્માને શક્તિ અને ઐશ્વર્ય જે છે. શું તે એની સ્પષ્ટ અનુભૂતિ થવી જોઈએ ને ?
દાદાશ્રી : સ્પષ્ટ તો આખો દહાડો થાય છે, પછી કેટલુંક થાય તે ! અનંત શક્તિ મુખ્યત્વે વપરાય જ્ઞાતા-દ્રષ્ટામાં જ
પ્રશ્નકર્તા : આત્માને આપણે જ્ઞાતા-દ્રષ્ટા કહીએ છીએ, એમાં જોવું ને જાણવું હોય અને સાથે એમ પણ કહીએ છીએ કે આત્માની અનંત શક્તિઓ છે, તો હવે જોવું અને જાણવું એમાં જ એની આ શક્તિઓ વપરાય છે ?
દાદાશ્રી : ના, બધી બહુ રીતે શક્તિ વપરાય છે.
પ્રશ્નકર્તા : તો પછી જ્ઞાતા-દ્રષ્ટા એકલું જ આપણે કેમ કહીએ છીએ ?
દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા મુખ્ય વસ્તુ છે. એ આવી જાયને તો બધી શક્તિઓ ઉત્પન્ન થઈ જાય. આપણે આ બાજુ નીચે ઊતરી ગયા છીએ તો આમાં જોઈન્ટ કરીએ તો પેલી બધી શક્તિઓ એની મેળે ઑટોમેટિકલી પ્રાપ્ત થઈ જાય.
પ્રશ્નકર્તા ઃ પ્રાપ્ત થાય એ બરોબર પણ પછી એ જ્ઞાતા-દ્રષ્ટા એકલો જ રહેતો નથી ને બીજું પણ એને કરવું પડે છે ને, એનો અર્થ એ થયો ?
દાદાશ્રી : બીજું શું કરવું પડે ?
પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા સિવાય જો શક્તિઓ એની મેળે ઉત્પન્ન થતી હોય તો એ કર્તારૂપે થયુંને પણ ?