________________
(૩.૧) અનંત શક્તિઓ કઈ ? કેવી ?
આત્મશક્તિની લંબાઈનો પાર જ નથી ! દરેક માણસના વિચારને ‘એક્સેપ્ટ’ કરે એટલે સુધી લંબાઈ છે. ચોર ચોરી કરે તેય ‘એક્સેપ્ટ’ કરે, દાનેશ્વરી દાન આપે તેય ‘એક્સેપ્ટ’ કરે, બધું ‘એક્સેપ્ટ’ કરે એવી એ આત્મશક્તિ છે, પરમાત્મશક્તિ છે અને એ જ આત્મા છે !
૫૧
આત્માની અનંત શક્તિ છે. આત્મા તો તમારી ભૂલ ઉપરેય ભૂલ કાઢે છે ને તેની ઉપરેય ભૂલ કાઢે છે. છેલ્લી ભૂલ વગરનો આત્મા.
આ આત્માની શક્તિ એવી છે કે દરેક વખતે કેમ વર્તવું, તે બધો ઉપાય બતાવી દે, ને તે પાછું કદી ભૂલાય નહીં, આત્મા પ્રગટ થાય પછી.
ઓહોહોહો ! અનંત ગુણ છે, અનંત શક્તિ છે ! પોતાના અનુભવમાં આવે. એટલે એમાં બીજું કંઈ કરવાનું હોતું જ નથી. કારણ કે આટલી બધી પૌલિક શક્તિઓ દુઃખદાયી કે દુઃખ આપનારી છે. એ બધીને અડવા નથી દેતી આ. પાણીમાં રહેવા છતાં પાણીને સ્પર્શ નહીં થવા દેતી તે કેટલી (બધી) શક્તિ ધરાવે છે ! આ બધુંય નિર્લેપ જ રાખી શકે છે, અસંગ જ રાખી શકે છે. સંપૂર્ણ સંગમાં રહેવા છતાં, ભીડમાં રહેવા છતાં અસંગ રહી શકે છે. આવી કેટલી (બધી) શક્તિઓ છે પોતાની ! આ તો ખુલ્લી શક્તિઓ, બીજી તો જે શબ્દથી વર્ણન ના થાય એવી શક્તિઓ બધી હું જાણું છું. એનું વર્ણન શી રીતે હું તમને કહું ?
પ્રશ્નકર્તા : એટલે આત્મા સર્વશક્તિમાન કહ્યો ?
દાદાશ્રી : માટે તે ભગવાન છે, એ કંઈ જેવું-તેવું નથી ! કોઈ પણ વસ્તુ એને ડરાવી શકે નહીં. કોઈ પણ વસ્તુ એને ડિપ્રેશન ના લાવી શકે. એને દુ:ખી કોઈ કરી શકે નહીં. કેટલી બધી અનંત શક્તિ !
અપરંપાર શક્તિ હોય. એટમ બૉમ્બ પડવાનો થાય તોય મહીં પેટમાં પાણી ના હલે એટલી શક્તિ છે અંદર !
આત્માની ખુમારી જ જબરજસ્ત છે. આખાય સંસારના બૉમ્બ પડે તોય હાલે નહીં તેવી આત્માની ખુમારી છે.
પ્રશ્નકર્તા : આપ કહો છો ભગવાન એ ભગવાન.