________________
કેવળજ્ઞાન સ્વરૂપ પોતાનું કેવું દેખાય ? આખા દેહમાં આકાશ જેટલો જ અમૂર્ત ભાગ પોતાનો દેખાય. કોઈ મૂર્ત વસ્તુ એમાં ના હોય. આમ જ્ઞાની પુરુષના કહેવાથી ધીમે ધીમે અભ્યાસ કરતા જવાનું એટલે શુદ્ધ થઈ ગયું.
આત્મા ગુણોની ભજના કરે તો સ્થિરતા રહે. આત્મા શું છે, એના ગુણ સહિત બોલવું, એને જોવું ત્યારે એ પ્રકાશમાન થાય.
આ જ્ઞાનનો અર્થ શું ? જાગૃતિ. અને એનું ફળ કેવળજ્ઞાન. સંપૂર્ણ અને નિરંતર જાગૃતિ થાય ત્યારે કેવળજ્ઞાન કહેવાય.
આ જ્ઞાન પછી પોતે પુરુષ થયો, માટે પુરુષાર્થ કરી શકે. જેટલી આજ્ઞા પાળે એટલી જાગૃતિ વધતી જાય, એટલી પૂર્ણતા ઉત્પન્ન થતી
જાય.
જ્ઞાતા-દ્રષ્ટાપણું એ જાગૃતિને આધીન છે, બુદ્ધિના આધીન નથી.
જ્ઞાન જે પ્રાપ્ત થયું, તે દર્શનમાં પરિણામ પામ્યું. હવે પ્રત્યક્ષ સત્સંગથી, આજ્ઞા પાળવાથી વધતું જશે, તેમ શુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થશે. જેટલો શુદ્ધ ઉપયોગ એટલું જ્ઞાન છે.
શુદ્ધ ઉપયોગમાંથી કેવળજ્ઞાનના બીજ રોપાયા, અંશ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
શુદ્ધ ઉપયોગ એ જ્ઞાન સ્વરૂપ કહેવાય અને ઉપયોગ ઉપયોગમાં એ વિજ્ઞાન સ્વરૂપ કહેવાય, કેવળજ્ઞાન સ્વરૂપ કહેવાય. શુદ્ધ ઉપયોગની ઉપરેય ઉપયોગ રાખે કે શુદ્ધ ઉપયોગ કેવો વર્તે છે એ કેવળજ્ઞાન છે.
વીતરાગ થવાની શરૂઆતથી માંડીને સર્વાંશે વીતરાગ થાય ત્યારે કેવળજ્ઞાન થાય. કેવળજ્ઞાન પહેલું થાય નહીં, જેટલા અંશે વીતરાગ થયો એટલા અંશે કેવળજ્ઞાન થાય.
કેવળજ્ઞાન એ કરવાની ચીજ નથી, એ તો જાણવાની ચીજ છે. કરવાની ચીજ તો કુદરત ચલાવી રહી છે. કરવું એ જ ભ્રાંતિ છે એ ‘વ્યવસ્થિત શક્તિ’ જાહોજલાલીથી ‘પોતાને’ (આત્માને) માટે કરી રહી છે.
85