________________
આ જ્ઞાન તો ભેદવિજ્ઞાન છે. સો ટકા મતિજ્ઞાન એ કેવળજ્ઞાન કહેવાય. ત્યારે આ છનું-સત્તાણું ટકા મતિજ્ઞાન હોય તે ભેદવિજ્ઞાન કહેવાય.
ભેદજ્ઞાન એ જ સર્વસ્વ જ્ઞાન અને એ જ કેવળજ્ઞાનનું મોબારું છે.
આત્મજ્ઞાન જાણ્યું એ કારણ કેવળજ્ઞાન છે અને પછી પેલું કાર્ય કેવળજ્ઞાન છે.
અહીં અક્રમ માર્ગમાં જ્ઞાનવિધિમાં જે જ્ઞાન મળે છે તે આત્મજ્ઞાન, તે અંશ કેવળજ્ઞાન છે. પછી વધતા વધતા સર્વાશ થાય. જેટલા અંશે આત્મસ્વભાવ પ્રગટ થતો જાય તેટલા અંશે કેવળજ્ઞાન પ્રગટ થતું જાય. સર્વાશ થાય ત્યારે એબ્સોલ્યુટ થાય અને એબ્સોલ્યુટ કેવળજ્ઞાન એ પરમાત્મ પદ છે.
આંશિક કેવળજ્ઞાન એમ કહેવા માગે છે કે આ માર્ગ કેવળજ્ઞાનમાં જાય છે. આ જ્ઞાન મળ્યું અને આજ્ઞા પાળે ત્યારથી કેવળજ્ઞાનના અંશો ભેગા થતા જાય. એમ કરતા કરતા ત્રણસો સાઠ અંશ પૂરા થાય ત્યારે કેવળજ્ઞાન થાય.
કૃપાળુદેવે કહ્યું છે કે આરંભ-પરિગ્રહ નિવર્યો, કેવળજ્ઞાન થાય. તો મહાત્માઓ માટે આરંભ-પરિગ્રહ દેખાય છે છતાં કેવળજ્ઞાનની નજીક છે. કઈ રીતે ? આંરભ કોને કહેવાય? “હું અકર્તા છું' એ ભાન થયું કે આરંભ ગયો અને ગ્રહ છે પણ મૂછ તો નથી એટલે પરિગ્રહ ગયા. એટલે આરંભ અને પરિગ્રહ નિવત્યું થઈ ગયું. આ તો કેવળજ્ઞાનના કારણો સેવાય છે. અજાયબ વસ્તુ પ્રાપ્ત થઈ છે ! બાળકના હાથમાં હીરો આવ્યા જેવું છે !
આપણને આ અજાયબ જ્ઞાન પ્રાપ્ત થયું છે, રાતે જાગે કે તરત હાજર થાય છે કે “હું શુદ્ધાત્મા છું.” મુશ્કેલીમાં નિરંતર જાગૃતિ રહે અને બહુ ભારે મુશ્કેલી આવી તો કેવળજ્ઞાની જેવી દશા થઈ જાય, એવું આ જ્ઞાન છે !
હતા બસ્સો ડિગ્રી ઉપર અને જ્ઞાન મળતાની સાથે ત્રણસો ડિગ્રીની ઉપર આવી ગયા. સો ડિગ્રી ઓળંગી ગયા, દાદા ભગવાનની કૃપાથી જ !
81