________________
અહંકારી જ્ઞાન, ઈન્ડિરેક્ટ જ્ઞાન એ બુદ્ધિ કહેવાય છે જ્યારે નિરહંકારી જ્ઞાન, ડિરેક્ટ જ્ઞાન એ જ્ઞાન. એ જેમ જેમ વધતું જાય, તે પછી કેવળજ્ઞાન થાય. જેને ડિરેક્ટ જ્ઞાન થયું છે તેને કેવળજ્ઞાનમાં કેવી દશા હોય, કેવું દેખાય એ બધી ખબર પડી જાય.
આત્મા એ પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન છે, કેવળજ્ઞાન સ્વરૂપ છે અને એમાંથી (જ્ઞાનરૂપી) પ્રકાશ ઉત્પન્ન થાય છે, એ બધો સ્વયં પ્રકાશ છે.
આત્મા જ્યારે સર્વ આવરણોથી મુક્ત થાય ત્યારે તેને આખા બ્રહ્માંડને પ્રકાશવાની શક્તિ પ્રાપ્ત થાય, તે જ કેવળજ્ઞાન છે.
સમજ એ શ્રદ્ધા છે, દર્શન છે અને જ્ઞાન એ પ્રકાશ છે. એ પ્રકાશ એ જ આત્મા છે. બીજું ભેળસેળ નહીં એવું જ્ઞાન, એનું નામ પ્રકાશ અને એ જ કેવળજ્ઞાન. એ અજોડ વસ્તુ છે, ઈન્દ્રિયાતીત છે, એ જ આત્મા છે, એ જ પરમાત્મા છે.
કેવળજ્ઞાનથી જે દેખાય એ કેવી રીતે ? આ અરીસો જો ચેતન હોય તો એ કહેત કે આ બધી વસ્તુ હું દેખું છું. ખરી રીતે પોતે બહાર જોતો નથી, પણ જેટલી વસ્તુ બહાર હોય તે અરીસામાં મહીં ઝળકે છે, તેને પોતે પોતાનામાં જુએ છે, એવું આખું બ્રહ્માંડ પોતાની મહીં ઝળકે છે તેને જુએ છે.
સર્વ દ્રવ્ય-ક્ષેત્ર બધાને પ્રકાશમાન કરે તે કેવળજ્ઞાનનું પરિણામ છે. કેવળજ્ઞાન એ પોતે તો સ્વ-સ્વરૂપાવસાન જ્ઞાનમય પરિણામ છે.
દાદાશ્રી કહે છે, અમે એ જોયેલું છે પણ એ અવર્ણનીય છે. શબ્દરૂપ નથી, એને શી રીતે શબ્દોથી સમજાવાય ? જેમ બે મૂંગા કંઈ સંજ્ઞા કરે એકબીજાને, થોડીવાર પછી સ્ટેશને પહોંચી ગયા હોય. એ બીજા સમજી ના શકે.
કેવળજ્ઞાનમાં શું અનુભૂતિ થાય ? પોતે એબ્સૉલ્યુટ થઈ ગયો પછી એની અનુભૂતિ હોતી હશે ? ફ્રિજમાં બેઠેલાને ઠંડકનો અનુભવ કેવો ? બહાર ઊભો હોય તેને ઠંડક થોડી લાગે તે અનુભવ થયો કહેવાય.
66