________________
તો જગતની ચીજ-વસ્તુ પ્રાપ્ત કરવાની બુદ્ધિ છે. તે પછી આત્મા તરફ આગળ શી રીતે વધે ?
વેદાંતમાં શ્રવણ શબ્દ મૂક્યો. પછી મનન, નિદિધ્યાસન અને એનું ફળ સાક્ષાત્કાર. શ્રવણ જ્ઞાનીઓના મોઢે સાંભળે તેવું હોવું જોઈએ.
ક્રમિક માર્ગમાં અહંકારને શુદ્ધિ કરતા કરતા ક્રોધ-માન-માયાલોભના પરમાણુ દૂર કરે ત્યારે એ મતિજ્ઞાન વધતું જાય. એ વધતું વધતું સંપૂર્ણ થાય ત્યારે કેવળજ્ઞાન થાય.
મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન એ કેવળજ્ઞાનનું કારણ છે.
મતિજ્ઞાનના અમુક વિભાગ પસાર થાય ત્યાર પછી એ આત્મજ્ઞાનની શરૂઆત ગણાય. તે ઠેઠ નવ્વાણું સુધી મતિજ્ઞાન જ કહેવાય અને સોએ કેવળજ્ઞાન છે.
સ્વરૂપજ્ઞાન મળે તો પોતાની સત્તામાં આવે અગર તો મતિજ્ઞાન ઉપજ્યું હોય તોય પોતાની તેટલી સત્તા પ્રાપ્ત થાય.
ક્રમિક માર્ગમાં પોતાને ભ્રાંતિ છે કે, એ સમજવા બુદ્ધિ કામ લાગે ? ત્યાં દાદાશ્રી કહે છે, ના. બુદ્ધિ એ જ ભ્રાંતિ છે. આ ઉપાદાન જાગૃતિ કામ લાગે અને ઉપાદાનનું કારણ શ્રુતજ્ઞાન. સાંભળેલું, વાંચેલું, બધાનો સાર તે ઉપાદાન જાગૃતિ, એ મતિજ્ઞાન છે. નિમિત્ત એ શ્રુતજ્ઞાન છે. એ નિમિત્તથી ઉપાદાન પાછું વધ્યા કરે.
શ્રુતજ્ઞાનથી જે શક્તિ સ્ફુરણા થઈ, પ્રગટ થઈ, એ ઉપાદાન. એ પૂર્ણ પ્રાગટ્ય સુધી ઉપાદાન જાગૃતિ અને પૂર્ણ પ્રગટ થાય એટલે કેવળજ્ઞાન.
જે શ્રુતજ્ઞાન પ્રેમપૂર્વક આરાધન કરવામાં આવે, એનું મતિજ્ઞાન થયા વગર રહે જ નહીં. એને પોતાની ઈચ્છા જોઈએ કે મને મતિજ્ઞાનમાં પરિણામ પામે.
શ્રુતજ્ઞાન એ થિયરેટિક્લ જ્ઞાન છે, જ્યારે મતિજ્ઞાન એ અનુભવ એટલે કે પ્રેક્ટિક્સ જ્ઞાન છે. જ્ઞાન બન્નેમાં સરખું જ છે, પણ પેલું સ્વાદ રહિત અને આ સ્વાદ સહિત.
53