________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
અવિનાશી તરફ જવાનું છે. અનુભવો કર્યા વગર તો ત્યાં પહોંચવાનું છે નહીં. દરેક જાતના અનુભવ કરવાના છે. કેવળજ્ઞાન એટલે તમામ પ્રકારના અનુભવનું સંગ્રહસ્થાન. એટલે આ બધો જે અનુભવ કરે છે તે કરેક્ટ છે.
૪૦૨
‘જ્ઞાની પુરુષ’ જ્ઞાને કરીને બોલાવે એટલે આત્મા જાગે, પછી લક્ષ ના જાય. લક્ષ બેઠું એટલે અનુભવ, લક્ષ ને પ્રતીતિ રહે. આ લક્ષની મહીં પ્રતીતિ હોય જ. હવે અનુભવ વધતા જવાના. પૂર્ણ અનુભવને કેવળજ્ઞાન કહ્યું.
હવે જે અનુભવ થયોને, પછી અંશ દિવસે દિવસે વધતા જ જાય. પછી ધીમે ધીમે અનુભવ વધતો વધતો કેવળજ્ઞાન સુધી જાય. કેવળજ્ઞાન એ સંપૂર્ણ અનુભવ છે, ત્યાં સુધી આ અનુભવ થયા જ કરે છે.
કેવળજ્ઞાન તો અનુભવની વસ્તુ છે અને એ પોતે જ નિરાલંબ છે ! ને એ કેવળજ્ઞાન જોયેલું હોય. નિરાલંબ જે બને છે, એને કોઈ પણ અવલંબન નથી. કોઈપણ અવલંબન નથી એ કેવળજ્ઞાન.
જ્ઞાનનું સ્વરૂપ સમજ્યા પછી એકદમ પ્રવર્તનમાં ના આવે. સમજ્યા પછી ધીમે ધીમે સત્સંગથી જ્ઞાન-દર્શન વધતું જાય અને ત્યાર પછી પ્રવર્તનમાં આવતું જાય. પ્રવર્તનમાં આવે ત્યારે કેવળ આત્મપ્રવર્તન એનું નામ ‘કેવળજ્ઞાન’. દર્શન-જ્ઞાન સિવાય અન્ય કોઈ પ્રવર્તન નહીં, એને ‘કેવળજ્ઞાન’ કહેવાય.
કેવળજ્ઞાન એટલે હું શુદ્ધાત્મા સિવાય બીજું કંઈ નહીં તેવું શ્રદ્ધામાં આવે, જ્ઞાનમાં આવે ને વર્તનમાં આવે તે કેવળજ્ઞાન.
શુદ્ધાત્મા કેવળજ્ઞાત થતા, થાશે પરમાત્મા
શુદ્ધાત્મા પદ થયા પછી આગળનું કેવળજ્ઞાન સ્વરૂપ રહે છે, તે છેલ્લું પદ છે. કેવળજ્ઞાન, એક્સૉલ્યૂટ બીજું કશું છે જ નહીં. અમારે એબ્સૉલ્યૂટ જ્ઞાન સ્વરૂપે છે. તે પૂરું વર્તન નથી. એ જ્ઞાન સ્વરૂપ કેવું હોય તે અમે જોયેલું હોય. બાકી શુદ્ધાત્મા એ તો એક પદ છે, એ છેલ્લા સ્ટેશનના યાર્ડની અંદર આવેલું પરું છે.