________________
નિશ્ચયમાં ‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષમાં રાખીને વ્યવહાર ચલાવવાનો છે. જ્યાં ચંચળતામાં એકતા થઈ જાય ત્યાં ‘ન્હોય મારું, મારું સ્વરૂપ તો અચળ છે’ લક્ષમાં રાખીને આગળ વધવાનું છે.
અચળને ઓળખે તો સચરમાં જે ભૂલો હોય તે દેખાય.
આજનો ચંદુભાઈ એ મિકેનિકલ આત્મા છે. અચળ આત્મા તે આપણું મૂળ સ્વરૂપ છે, પણ રોંગ બિલીફથી ‘હું ચંદુભાઈ છું’ મનાયું છે, એ માન્યતા વિજ્ઞાનથી છૂટે એવી છે.
કોઈ ચંદુને ગાળો ભાંડે તો પોતે સ્વીકારી લે છે, ત્યાં જો પોતે આત્મા થયા તો ચંદુની ટપાલ પોતે લે નહીં. આમ જાગૃતિથી પોતે મૂળ સ્વરૂપે થવાનું છે.
બે પ્રકારની ચેતના; એક શુદ્ધ ચેતના, જે મૂળ આત્મા છે, અચર છે અને બીજી ચેતના એ સચર છે. એમાં બે ભાગ પડે. કર્મ ચેતના, જેમાં પોતે કરતો નથી ત્યાં માને છે ‘હું કરું છું’ અને એનાથી કર્મ બંધાય છે. એના ફળ આવે છે ત્યારે કર્મફળ ચેતના, એ ડિસ્ચાર્જ છે.
આપણે પોતે અચળ જ છીએ, પણ આપણામાં અણસમજણથી ચંચળતા ઊભી થઈ ગઈ છે કે આ કોણ આવ્યું ? આ કોણે કર્યું ? આત્મા અરીસા જેવો છે અને જગત (જડ) અરીસા જેવું થઈ ગયું છે. પોતાના વિકલ્પના પ્રતિબિંબ અરીસામાં (જડમાં) પડે છે. પ્રતિબિંબને સ્થિર કરવા જેમ ચંચળ થાય, તેમ પ્રતિબિંબ વધારે ચંચળ થાય છે. પ્રતિબિંબને સ્થિર કરવું હોય તો શું કરવું પડે ? પોતે સ્થિર થવું પડે. પોતે કોઈ ચેષ્ટા ના કરે તો પ્રતિબિંબ સ્થિર થાય. પોતાને ભાન થાય કે મારું મૂળ સ્વરૂપ અચળ છે, આ દૃશ્ય એ જુદું છે ને દ્રષ્ટા એ મારું સ્વરૂપ છે, અચળ છે તો પોતે તે રૂપ થતો જાય. પછી મુક્ત થઈ જાય.
આ જગતમાં અચળની નકલ ના થઈ શકે. જેની નકલ થઈ શકે તે બધું જ ચંચળ.
ક્રિયા એટલે મિકેનિકલ. ક્રિયામાં આત્મા નથી. માટે સ્વભાવથી વસ્તુને ઓળખો.
48