________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પૂરું થાય ત્યારે થાય. એક બાજુ થીયરેટિકલ સંપૂર્ણ કહી ગયા છો પણ તેથી કરીને પ્રેક્ટિકલ છે એવું કહેવાય નહીં. નિયમ જ એવો હોય છે. મને જેટલું થીયરેટિકલ છે, એટલું પ્રેક્ટિકલમાં ના હોય મારા.
૩૩૨
પ્રશ્નકર્તા : હા, બરોબર છે. આપ પેલા ચાર ડિગ્રીની વાત કરો છો એ એટલા માટેને ?
દાદાશ્રી : હા, તે ચાર ડિગ્રીની વાત તે પેલું થીયરેટિકલ જ ચાર ડિગ્રી ઓછું છે. એટલે આ થીયરેટિકલ પૂરું નથી થયેલું, નહીં તો શ્રુતકેવળી કહેવાય. અત્યારે ના કહેવાય. નહીં તો અમને કોઈ કહે કે અમે કહીએ ? તોય ના કહીએ અમે. એ કોણ બોજો લે વગરકામનો ? બહુ વજનદાર બોજો. મારે એમને એમ બોજા વગર શું ખોટું છે ? કશું બોજો જ નહીં, ભય નહીં.
પુરુષાર્થે શ્રુતકેવળી, કૃપાએ કેવળી
પ્રશ્નકર્તા : તો પછી શ્રુતકેવળી ને કેવળીમાં શું ફરક ?
દાદાશ્રી : સાચા શ્રુતકેવળી એ પુરુષાર્થનું ફળ છે અને કેવળી એ તીર્થંકર ભગવાનની કૃપાનું ફળ છે.
પ્રશ્નકર્તા : કેવળીને આત્મા દેખાતો હશે ?
દાદાશ્રી : કેવળીને આત્મા જ્ઞાનથી દેખાય. જોવું એટલે પ્રતીતિ થવી (દર્શનથી) ને જાણવું એટલે અનુભવ થવો (જ્ઞાનથી.) એ અરૂપીપદ છે, અનુભવગમ્ય છે.
કેવળી કેવળજ્ઞાનથી જાણે ને શ્રુતકેવળી શાસ્ત્રથી જાણે. જેટલું ભગવાને જાણ્યું હોય તેટલું શ્રુતકેવળી જાણે. શ્રુતકેવળી એ કંઈ જેવું તેવું પદ છે ?
પ્રશ્નકર્તા : તો દાદા, શ્રુતકેવળીની શક્તિ તીર્થંકર જેટલી ખરી ?
દાદાશ્રી : ના, તીર્થંકર જેટલી નહીં પણ સિન્સિયરલી હોય ત્યાં સુધી વીતરાગ ધર્મ ચાલુ હોય. કારણ કે શ્રુતકેવળી જેવા તેવા કહેવાય નહીં. પેલા કેવળી કહેવાય અને આ શ્રુતકેવળી કહેવાય.