________________
મિશ્ર ચેતનથી કર્મ બંધાય. એનાથી કડવા-મીઠા ફળ આવે. ત્યારે રોંગ બિલીફ એવીને એવી જ રહે છે, આ હું કે તે હું ખબર પડતી નથી.
આ સંસાર જ એવો છે કે જન્મથી જ એનું નામ પડે, પછી નામને ભત્રીજો, કાકો કહેવામાં આવે. આમ ભયંકર અજ્ઞાનતાના સંસ્કાર આપે. સંસાર એટલે અજ્ઞાનતામાં જ ઘાલ ઘાલ કરવો. રોંગ બિલીફો લોકો ફિટ કરી આપે.
મિશ્ર ચેતન એટલે એમાં ચેતનનો છાંટો જ નથી, માત્ર પાવર ચેતન છે.
લોકો એમ જ જાણે છે કે આ બધું કરે છે એ જ ચેતન છે. ક્રિયામાં આત્મા હોય નહીં, આત્મામાં ક્રિયા હોય નહીં. મિશ્ર ચેતન તો આત્માની હાજરીથી ચાલી રહ્યું છે.
સર્જન થાય છે એ મિશ્ર ચેતનનું છે અને વિસર્જન એ જડ શક્તિની ક્રિયા છે. જન્મ્યા ત્યારથી મોટા થયા, ઘરડા થયા બધું વિસર્જન શક્તિથી.
નવો દેહ એ આત્માય ગ્રહણ કરતો નથી, જડેય ગ્રહણ કરતું નથી, એ મિશ્ર ચેતન ગ્રહણ કરે છે. અહીં વિજ્ઞાન છે. આ તો મિશ્ર ચેતનને જ પોતાનું સ્વરૂપ માન્યું છે. એ રિલેટિવ-રિયલ છે.
ચેતનના ત્રણ ભેદ ; શુદ્ધ ચેતન, મિશ્ર ચેતન અને નિશ્ચેતન ચેતન. આ નિશ્ચેતન ચેતન એ ડિસ્ચાર્જ થતો ઈફેક્ટિવ ભાગ છે. એમાં અજ્ઞાનતાથી ‘હું આ છું, મેં આ કર્યું’ એ ભાવ, એ મિશ્ર ચેતન. એને લીધે પરમાણુ ખેંચાયા, ચાર્જ થયા. પછી એ ડિસ્ચાર્જ થાય ત્યારે નિશ્ચેતન ચેતન થઈ જાય. ઊંધા વિચાર કરે ત્યારથી પોતે મિશ્ર ચેતન થવા માંડે. પછી એ જામી જાય. પછી બીજે ભવ ફળ આવે ત્યારે નિશ્ચેતન ચેતન કહેવાય.
મિશ્ર ચેતનમાં જીવતો અહંકાર હોય ને નિશ્ચેતન ચેતનમાં ડિસ્ચાર્જ અહંકાર હોય. એટલે મિશ્ર ચેતન જીવતું છે. એ ક્રોધ-માન-માયા-લોભ બધું કરી શકે. જેમાં અહંકાર ભળે નહીં એ નિશ્ચેતન ચેતન ને જે ક્રોધમાન-માયા-લોભ અહંકાર જીવતા હોય, સળગતા હોય, કર્તાભાવ હોય, માલિકીભાવ હોય એ મિશ્ર ચેતન.
38