________________
૨૭૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
કાળ સાથે દેખી શકે નહીં. એ વર્તમાનકાળ એકલો જ દેખાય. ત્રણેય કાળ એની સમજણમાં આવી જાય કે ભવિષ્યમાં આવું થશે.
આ લોક કહે છે ને કે અમને ભવિષ્યકાળનું બધું દેખાય છે, એવું બની શકે નહીં. ભવિષ્યકાળ એ તો વર્તમાનકાળમાં દેખાય છે. એકને માટે ભવિષ્યકાળ હોય ને બીજાને માટે વર્તમાનકાળ હોય, એ બે બને નહીં. કાળના ત્રણ વિભાગ છે. તે ત્રણ વિભાગ કાયમને માટે પરમેનન્ટ રહે છે. તીર્થકરો માટે પણ ત્રણ વિભાગ રહેલા છે. તીર્થકરો કેવળજ્ઞાને કરીને બધું કહી શકે છે, કે ભૂતકાળમાં આ પ્રમાણે હતું, આ પ્રમાણે વર્તમાનમાં હોવું જોઈએ અને ભવિષ્યકાળમાં આ પ્રમાણે થશે. એવું એ કેવળજ્ઞાનના મેથેમેટિકના, ગણિતના જ્ઞાનના આધારે વર્તમાનમાં કહી શકે છે. તમને સમજાયું, હું શું કહેવા માગું છું તે ?
ત્રિકાળજ્ઞાન એટલે શું ? કે વર્તમાનમાં જે દેખાય છે તે જ દેખાય, તીર્થકરોને, લોકોને દેખાય એવું જ દેખાય, પણ એ ભવિષ્યમાં આમ થશે એવું કહે.
પ્રશ્નકર્તા: ભવિષ્યમાં આમ થશે એવું કહે, પણ એને ખબર હોય ત્યારે કહેને, દાદા ?
દાદાશ્રી : ના, ખબર હોય નહીં. પ્રશ્નકર્તા ઃ તો ?
દાદાશ્રી : આના પરિણામ આવા આવશે. તમે કેરીઓ લાવો તો કેરી અત્યારે જોઈ કે હાફૂસની કેરી કાપવા લાયક હતી. હવે તમે કહો કે આ કેરી રહેવા દઈશું તો ભવિષ્યમાં આમ થશે. પહેલી કરચલીઓ પડવા માંડશે. પછી બગડવા માંડશે, પછી સડવા માંડશે. પછી આમ થશે એવું વર્ણન તમે આપી જાઓ કે ના આપી જાઓ ? એવું વર્ણન આપેલું છે. અને કેરીના પહેલા ભૂતકાળમાં શું હતું? ત્યારે કહે, પહેલા મોર તરીકે ઉત્પન્ન થયો. પછી નાનો મરવો થયો. પછી ધીમે ધીમે મોટો થયો, તે ઘડીએ ખાટો હતો. તે આ બધું જોઈને નથી કહેતા ?