________________
આ જ્ઞાન પછી આપણે પોતાને ‘શુદ્ધાત્મા’ બોલીએ છીએ. એ સિવાયનો બહારનો જે ભૌતિક ભાગ છે, એ ‘પુદ્ગલ’ કહેવાય. એ પુદ્ગલ કહે છે કે અમને અમારી મૂળ સ્થિતિમાં નહીં બનાવો ત્યાં સુધી તમે છૂટા નહીં થાવ. કારણ કે મૂળ પરમાણુ શુદ્ધ હતા, આપણે વિભાવ કર્યા તેથી વિકૃત થયા છે. હવે આપણે આપણી જે શુદ્ધ દશા છે સ્વભાવ, એમાં અશુદ્ધિ મનાય નહીં તો પુદ્ગલ શુદ્ધ થયા જ કરવાનું.
જેટલું ડિસ્ચાર્જ પુદ્ગલ છે, તેના જ્ઞાતા-દ્રષ્ટા રહીને જવા દેશો તો એ શુદ્ધ થઈને ચાલ્યા જશે.
દાદાની પાંચ આજ્ઞામાં રહીએ એટલે નવું પુદ્ગલ અશુદ્ધ થતું બંધ થઈ ગયું અને પહેલા બગડેલું એનું શુદ્ધિકરણ થયા કરે.
પુદ્ગલને ડખોડખલ ના કરે એટલે ચોખ્ખું થયા જ કરે. ડખોડખલ કરનારું કોણ ? અજ્ઞાન માન્યતાઓ.
આત્મા આપણું સ્વરૂપ જ છે. એનું ભાન નહીં હોવાથી ઊંધું ચાલ્યા, તે જેટલું ઊંધું ગયા એટલું પાછું આવવું પડે.
રાગ-દ્વેષ કરીને પુદ્ગલ બગાડ્યું હતું, હવે સમભાવે નિકાલ કરીને પુદ્ગલ ચોખ્ખું કરવાનું છે. તેમ તેમ પોતે છૂટો થતો જાય.
‘મારું, મારું’ કરીને બગાડેલું, ‘ન્હોય મારું’ કરીને ચોખ્ખું કરવાનું છે. આગળની દશામાં આ પાવર ભરેલું પૂતળું છે, તેને જુદા રહીને ‘જોવા-જાણવાનું’ છે.
શુદ્ધ પરમાણુ વિશ્રસા છે અને પાવર ભરાયેલા પરમાણુ પ્રયોગસા થઈ, બીજે અવતાર ફળ આપવા તૈયાર થયા મિશ્રસા. એ બેમાં ફેર એટલો કે પેલામાંથી પાવર વપરાઈ ગયો અને આમાં પાવર વપરાયો નથી. જ્ઞાન પછી જેમ જેમ પાવર વપરાતો જાય તેમ તેમ પરમાણુ વિશ્રસા થઈ ઊડી જાય.
દાદાશ્રી કહે છે, મારો મૂળ ચાર્જ કરનારો પાવર ખલાસ થઈ ગયો, પણ આ બૅટરીઓનો પાવર હજુ ખલાસ થયો નથી અને મહાત્માઓને તો પ્રતીતિમાં શુદ્ધાત્મા થયા, પણ હજી જાગૃતિ પુદ્ગલમાં જતી રહે છે.
36