________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
દાદાશ્રી : ના, અમને નહીં. એ તો જાતિસ્મરણજ્ઞાન કહેવાય. એ બુદ્ધિનું છે. અમને તો બુદ્ધિ નહીંને, એટલે દેખાય નહીં. એમને તો ઘણા અવતાર દેખાતા હતા. અમને તો આગલોય અવતાર દેખાતો નથીને, ગયો કયો તૈય...! આપણે જરૂરે શું છે ? અમને તો મોક્ષ જોઈતો હતો તે મળી ગયો. બ્રહ્માંડના નાથ થયા !
૨૭૨
પ્રશ્નકર્તા ઃ આપ પુનર્જન્મમાં માનો છો તો આપ પોતે ગયા જન્મમાં શું હતા અને આવતા જન્મમાં આપ શું થવાના છો, એનો કંઈ આપને ખ્યાલ છે ?
દાદાશ્રી : ના, ના, ના. કોઈનીય ખબર નથી. તમારીયે મને ખબર નથી ને મારીયે પોતાની ખબર નથી. લોકોને ખબર હોય એ વાત જુદી છે. એ એક જાતની બુદ્ધિ છે. તે એમાં અમે ઊંડા ઊતર્યા નથી. મારે ઊતરવાની શી જરૂર ? અને જોઈને કામેય શું મારે ?
બાકી એ બુદ્ધિનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. એ એક જાતનું સ્મરણ છે. મને સ્મરણશક્તિ જ નથી. અને આજે શું વાર થયો એ મારે પૂછવું પડે આ બધાને. આજે તારીખ શું છે એ પૂછવું પડે. મને યાદગીરી બિલકુલ હોય નહીં.
પ્રશ્નકર્તા : આપને જાતિસ્મરણજ્ઞાન આમાં કંઈ થોડીવાર થાય ખરું
કે ?
દાદાશ્રી : નહીં. એવું હતું કે જાતિસ્મરણજ્ઞાન એ મારે જરૂરેય નથી અને મારે એ જોવોય નથી, જાણવોય નથી. એ બુદ્ધિના ખેલ છે. એ અહંકાર હોય તો થાય.
અમને જાત જ નથી તો પછી સ્મરણ શાનું હોય ? જાતની બહાર નીકળી ગયો છું હું તો. જાતિસ્મરણ જે જ્ઞાનમાં થાય, તે દેહની બહાર નીકળી ગયો છું. મારી જાતિ જુદી છે આખી. તે આ કેવળજ્ઞાનની જાતિ છે. આ કેવળજ્ઞાનમાં ફક્ત નાપાસ થયેલો છું એટલું જ. મને ચાર અંશ ખૂટ્યા છે, ચાર માર્ક ખૂટેલા છે.