________________
દરઅસલ ચેતન ખુદ પરમાત્મા છે. માણસ જ્યાં ચેતન માને છે, ત્યાં ચેતન નથી.
આત્મા-ભગવાન તો જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી છે. ક્રિયાશક્તિ એમનામાં નથી. ક્રિયાશક્તિ જડમાં છે. આત્માની હાજરીથી ક્રોધ-માનમાયા-લોભ, અંતઃકરણ, લાગણી બહુ ઊભું થઈ જાય છે.
જેમ સૂર્યનારાયણને લઈને અહીં આગળ ઊર્જા ઉત્પન્ન થાય, પાવર ઊભો થાય. એમાં સૂર્યનું કંઈ કર્તાપણું નથી. એમની હાજરીમાં બીજી વસ્તુ ભેગી થઈ એટલે ઊર્જા ઉત્પન્ન થઈ. અહીં કૉન્ડેક્સ કાચ મૂકો ને બીજી ચીજો ભેગી થાય તો સળગે. તેથી સૂર્યને કંઈ લેવાદેવા નથી. એવું મૂળ આત્માની હાજરીમાં જડ તત્ત્વ ભેગું થવાથી અને સ્વરૂપની અજ્ઞાનતાથી પાવર ચેતન ઊભું થાય છે. પાવર ચેતનથી જડમાં પાવર ભરાય છે. પછી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી ડિસ્ચાર્જ થાય છે. એમાં મૂળ આત્મા કશું કરતો નથી.
પાવર ભરાવો અને ખાલી થવો એ પોતાની શક્તિથી છે, આત્માની ફક્ત હાજરી છે.
આત્માની હાજરીથી જનરેટર (પાવર ચેતન) ઉત્પન્ન થાય છે અને જનરેટરથી ત્રણ બેટરી ચાર્જ થાય છે અને પછી ડિસ્ચાર્જ થાય છે.
પાવર ચેતનથી પાવર ભરાય એને નિશ્ચેતન ચેતન કહેવાય. આ જ્ઞાન પછી પાવર ચેતન ઊડ્યું. એટલે શુદ્ધ ચેતન અને નિશ્ચેતન ચેતન રહ્યું. નિચેતન ચેતનનો પાવર જેમ જેમ વપરાશે તેમ તેમ તે ખલાસ થશે. નવો પાવર ભરાતો અટકી ગયો.
ધર્મ કરે છે, ભક્તિ કરે છે, શાસ્ત્ર ભણે છે, સમજણ પાડે છે એમાં મૂળ ચેતન છે જ નહીં. વ્યાખ્યાન કરવામાં, વ્યાખ્યાન સાંભળવામાં પાવર ચેતન છે. મૂળ ચેતન પોતાના સ્વભાવમાં જ છે.
સ્વાધ્યાય કરો, તપ કરો, જપ કરો, ધ્યાન કરો, એ કરે છે પુગલ અને પોતે માને છે કે મેં કર્યું. એમાં પાવર ચેતન કામ કરી રહ્યું છે. મોક્ષ માર્ગ સમજવાનો છે, કરવાનો નથી.
33