________________
(૩) મતિજ્ઞાન
૨૧૯
કુમતિ તે વિપરીત બુદ્ધિ, સંસારી સુખ માટે
સુમતિ જે છે તે સમ્યક્ બુદ્ધિ અને કુમતિ છે તે વિપરીત બુદ્ધિ. વિપરીત બુદ્ધિ છે તે આ સંસારી સુખ વધારે. સંસારી સુખને માટે જે જે કંઈ વાંચવા-કરવાનું, ભણવાનું હોય, આપણે કૉલેજમાં ભણવા જઈએ એ બધું કુમતિ ને કુશ્રુત અને આત્મા માટે જે કંઈ વાંચવામાં આવે એ બધું સુમતિ અને સુશ્રુત. ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી માંડીને કૉલેજો-બૉલેજો બધું વિપરીત બુદ્ધિ. સંસારના સુખને માટે એ થયું.
પ્રશ્નકર્તા : એ મતિજ્ઞાનમાં ભેદ હોય ખરા ?
દાદાશ્રી : હોયને !
પ્રશ્નકર્તા : કયા કયા ?
દાદાશ્રી : એ બે અંશ, પાંચ અંશ, દસ અંશ હોય અને સર્વાંશ એ સંપૂર્ણ જ્ઞાન ! ત્યાં સુધી મતિજ્ઞાન કહેવાય. સમ્યક્ બુદ્ધિ હોય ને, તેને મતિજ્ઞાન કહેવાય અને વિપરીત બુદ્ધિ હોય તે કુમતિજ્ઞાન કહેવાય. શાસ્ત્ર એ સુમતિજ્ઞાન છે, સુશ્રુતજ્ઞાન છે ને ‘આત્મજ્ઞાન’ વસ્તુ જુદી જ છે.
કુમતિ આવકારે કષાય-કળાટ
મતિ ને શ્રુત તો દરેક જીવને આવેલું હોય. તે તો અનંત અવતારમાં હોય છે. પણ એ કુમતિ અને કુશ્રુત છે તેમ જાણવું જોઈએ. જગત આખું વિપરીત મતિથી જ દુઃખી છે. સમ્યક્ તિ હોય તો દુ:ખ જ ના હોયને !
પેલી મિથ્યાત્વ શ્રદ્ધા, પછી આ સમ્યક્ દર્શન થાય, સમ્યક્ શ્રદ્ધા થાય ત્યારે મોક્ષ થાય એનો. મિથ્યાત્વ દર્શન હોય ત્યાં સુધી ભટક ભટક ભટક. રોલ્ડ ગોલ્ડ, રોલ્ડ ગોલ્ડ. પહેલા મિથ્યાત્વ શ્રદ્ધા જ હતીને ?
પ્રશ્નકર્તા : બહુ હતી.
દાદાશ્રી : શેમાંથી ઉત્પન્ન થઈ ? ત્યારે કહે, કુશ્રુતમાંથી. સંસારમાં સુખ કેવી રીતે મળે એ બધા પુસ્તકો વાંચેલા.