________________
૧૯૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૩) અરીસાનો દાખલો આપી, ખોલ્યો અચળનો ભેદ
આપણે અચળ છીએ જ પણ આપણામાં ચંચળતા અણસમજણથી ઊભી થઈ છે કે આ કોણ આવ્યું ? એટલે આપણે એને આમ કરવા જઈએ છીએ ત્યારે એય આમ કરવા જાય છે, એનું નામ જગત. આ જગત અરીસા જેવું થઈ ગયું છે. આ આંખો એવી છે ને અરીસામાંથી જ જુએ છે અને પોતાની જ પ્રક્રિયા બધી દેખાય છે. પોતે પોતાની જ પ્રક્રિયાઓમાં સપડાયો છે, નહીં તો કોઈ એનું નામ દેનાર નથી. એટલે આપણે અચળ કઈ રીતે થઈ જવું એ રીત જાણવી જોઈએ. અહીંની રીત ખબર પડે છે, અહીં અરીસામાં તો ખબર પડે છે, તે અનુભવ થાય છે પણ સંસારમાં અનુભવ થતો નથી. આ અરીસા જેવો જ દાખલો છે. આ અરીસામાં જેમ બને છે કે, આ લોકો જેમ જેમ કૂદે છે તેમ અરીસામાં વધારે ને વધારે પોતાની જાત કૂદતી દેખાય અને આપણે બિલકુલ સ્થિર થઈ જઈએ એટલે સ્થિર થઈ જાય, પછી કશું નહીં. આપણે અચળ થઈ જઈએ તો એ અચળ થઈ જ જાય. આ સચર છે એ અચળ પરિણામી થાય એવા ભાવમાં આવીએ, અને જેમ અરીસા પાસે આપણે ચેષ્ટા ન કરીએ તો દશ્ય કશું ચેષ્ટા નહીં કરે. એવી રીતે જો કદી આને અચળ પરિણામી કરીએ તો અચળ થયા કરશે. જેમ અરીસા પાસે પોતે ચેષ્ટા કરે છે તે સચળ પરિણામી થાય. ચેષ્ટા ના કરે તો પોતે અચળ પરિણામી થાય. પણ એ પરમેનન્ટ નથી, આ રિલેટિવ અચળ છે. આ સચર છે તે રિલેટિવ અચળ થશે. હા, આ દૃશ્ય તો વિનાશી. તમે આત્મારૂપ થઈ ગયા, એટલે આ બધું ગૉન. “સ્વભાવથી તે વસ્તુને ખોળ' કહી, કરી કમાલ દાદાએ
આ જગતમાં અચળની કોઈ નકલ ના કરી શકે. જેની નકલ થઈ શકે તે બધું જ ચંચળ. જગત આખાની આરાધના ચંચળની, રિલેટિવની છે. આ વાણી તેની નકલ થઈ શકે છે ટેપરેકર્ડ થકી, એ ચંચળ કહેવાય. એ ચેતન અચળના ગુણ ન હોય. આત્માનો સ્વભાવ અચળ છે. આ લોક અચળ એટલે હાલ-ચાલે નહીં તેને અચળ સમજે છે. એટલે ક્રિયાને અચળ કહે છે, પણ અચળને તો શુદ્ધ દૃષ્ટિથી જો.