________________
(૮) ચળ-અચળ-સચરાચર
અચળ આત્મા એ જ્ઞાની પુરુષે જ જોયેલો હોય અને કો'ક ફેરો એ જ્ઞાની હોય ત્યાં અનાદિ કાળથી જે પાર વગરની ચંચળતા ઉત્પન્ન થઈ છે, તે ચંચળતા ધીમે ધીમે ધીમે ઠરતી ઠરતી ઠરતી સહજતા ઉત્પન્ન થઈ જાય છે, (જ્ઞાનીને) જોવાથી.
૧૯૫
પ્રશ્નકર્તા ઃ તો આ ક્રમિક માર્ગનું જે બેઝમેન્ટ છે તે સચરને અચર કરવા જાય છે તે બેઝમેન્ટ જ ખોટું છે ? અવૈજ્ઞાનિક છે ?
દાદાશ્રી : એ જાણતા જ નથી કે આ સચર છે ! એ જાણે છે કે આ જ આત્મા છે. એટલે એને સ્થિર કરવા જાય છે. આને જ કાયમનો સ્થિર કરવા જાય પણ સ્થિર થાય નહીં ને એ તો ! એટલે મનમાં કચાશ રહ્યા કરે. તે સામાયિક કરે તેટલી વાર સ્થિરતા લાગે. એ શું કહેવા માગે છે કે બહાર બધું સ્થિર કર ને પછી જે સુખ આવે છે તે આત્માનું છે એમ માનજે. પછી મોહ ના રહે, કેવળ આત્માનું સુખ ચાખવું છે એમ રહ્યા કરે.
જ્ઞાત ચેતના અચળ, કર્મ ચેતતા-કર્મફળ ચેતના ચંચળ
ભગવાને ચેતના બે પ્રકારની કહી. સચરાચર, એક સચર ને બીજી અચ૨. ભગવાનમાં (આત્મામાં) અચર છે અને તમારામાં (ચંદુભાઈમાં) સચર છે. સચરમાંથી અચ૨ ના થાય અને અચરમાંથી સચર ના થાય. શુદ્ધાત્મા છે એ જ્ઞાન ચેતના છે, બીજું બધું કર્મ ચેતના છે અને કર્મફળ ચેતના છે. જ્યાં કરતો નથી છતાં માને છે કે હું કરું છું, હું ચેતન છું અને આમ કરું છું એ જ કર્મ ચેતના. આખું જગત (મનુષ્યો) કર્મ ચેતનાથી ચાલી રહ્યું છે અને મનુષ્ય સિવાય ઈતર ઝાડો... વગેરે કર્મફળ ચેતનાથી ચાલે છે. મનુષ્યને કર્મ ચેતના અને કર્મફળ ચેતના બન્ને હોય. આમાં ખરું ચેતન શું ? કે શુદ્ધાત્મા, શુદ્ધ ચેતન તે અચળ છે ને અક્રિય છે અને કર્મ ચેતના ને કર્મફળ ચેતના તે ચંચળ છે, ચેતન નામેય નથી. ચંચળ છે ત્યાં ચેતન ન હોય. જે ચાર્જ થાય છે અને ડિસ્ચાર્જ થાય છે તેમાં ચેતન ના હોય, તેને સચર કહીએ અને શુદ્ધ ચેતન અચંચળ ભાગને અચળ કહેવાય.