________________
(૮) ચળ-અચળ-સચરાચર
૧૯૧
પ્રાપ્ત થઈ શકે એવી વસ્તુ છે. એટલે જ્ઞાની પુરુષ ભાન કરી આપે, જ્ઞાન કરી આપે અને સમજથી એને શમાવી દે. સમજથી પોતાના સ્વરૂપમાં સમાય જાય પછી. દેહાદિથી આત્મા ભિન્ન છે. દેહાદિ એટલે સમસ્ત ચંચળ ભાગ. ચંચળ ભાગને બાદ કર એટલે અચળ આત્મા મળશે.
સમજવું સચળ, પણ આરાધવું એક અચળ જ
પ્રશ્નકર્તા : દાદા, આ અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય આત્મા છે. આ બધાને શુદ્ધ કરે એવી સમજ કેવી રીતે મેળવવી ?
દાદાશ્રી : અન્નમય, પ્રાણમય, મનોમય આ બધા જે ભાગ પાડ્યા છે એ ડિટેલ્સમાં (વિગતમાં) છે. એ ડિટેલ્સમાં જવાની જરૂર નથી. ડિટેલ્સ તો તમને સમજવા માટે આપેલી છે કે આવું બધું છે. આત્મા અચળ છે અને આ બીજું અન્નમય, પ્રાણમય એ બધું સચળમાં આવી ગયું. આટલા બધા ભાગ પાડીને ડિટેલ્સમાં, એ તો સમજવા માટે આપીએ છીએ. આરાધન કરવા માટે નથી આપ્યું. જો કે એક-એક ખસેડુંને તો પાર જ નથી આવે એવો. આ ચંચળને સ્થિર કરવામાં તો તારો ટાઈમ નકામો જાય છે ને ઈગોઈઝમ વધતો જાય છે. આજ આ પેપર ફૂટી ગયું ને ! ચોવીસ તીર્થંકરનું પેપર ફૂટી ગયું.
અચળ લક્ષમાં રાખે, પોતે થાશે અચળ પ્રશ્નકર્તા ઃ સચળમાંથી અચળમાં જવા માટે શું કરવું જોઈએ ?
દાદાશ્રી : અચળ તો લક્ષમાં જ રહેવું જોઈએ. સચરાચર એટલે શું કહેવા માંગે છે? તું સચરમાં ભલે હોઉં પણ અચળ છું, એવું તારા લક્ષમાં રાખ અને તું આને અચળ કરવા ના ફરીશ. નહીં તોય આ નહીં થાય. આ તો સ્વભાવથી જ સચળ છે.
પ્રશ્નકર્તા: તમે કહો છો કે અચર કરવાની જે કોશિશ કરે છે અને અચર કરવા જે સફળ થાય છે તે એમ કહે છે કે “હું કરું છું એ પણ એની વાત ખોટી છે !