________________
(૬) મિકેનિકલ આત્મા
૧૬૩
છે, પણ અચળ કોને કહેવાય છે કે આત્મા સ્વભાવે કરીને અચળ છે, એને અચળતા કહેવાય છે. પણ આ તો અણસમજણથી પોતાની ભાષામાં લઈ ગયા. એટલે આ લોકોએ અસ્વભાવિક અચળતા પ્રાપ્ત કરી.
સ્વભાવિક ચંચળતાને પકડેને તોય કામ થાય. પણ એક બાજુ પકડાય તો બીજી બાજુ છૂટી જાય એવું છે. માટે એને એમાં તો ઠેઠ નવ્વાણું ટકા જેટલું પહોંચાય છે, પણ પૂરેપૂરું પહોંચી ના શકેને ! માથે કોઈ જોઈએ, વચનબળવાળો અને સિદ્ધ પુરુષ હોવો જોઈએ. માર્ગ છે બહુ કઠણ પણ જો માથે કોઈ હોયને તો એ માર્ગય લોકો પહોંચી જાય છે.
આત્મા શું છે એ અમે સહજ ઓપન કરી નાખ્યો છે ને ! ચંચળને આપણે નિચેતન ચેતન કહીએ છીએ. ચેતન ખરું પણ ચેતનના ગુણધર્મ નહીં. બીજા બધા લક્ષણ દેખાય પણ પકડાય શી રીતે ? માણસનું ગજું નહીંને ! એ તો જ્ઞાની પુરુષનું કામ !
કેટલાક માણસો એમ બોલે છે, “સ્ત્રી-પુત્ર-મન-વચન-કાયા એ મારા નથી, હું શુદ્ધાત્મા છું' એટલે કાંઈ વળી જાય ? ના. એક્ઝક્ટ(યથાર્થ) ફોડ હોવો જોઈએ, ડિમાર્કશન(ભેદરેખા) હોવું જોઈએ. આ તો નિશ્ચેતન ચેતન કોઈ દહાડો (શુદ્ધાત્મામાં) પેસવા જ દે એવું નથી.
વીતરાગો અહીં હાજર હોય છે ત્યારે અચળ આત્માના દર્શન થાય છે. પણ એ બધાને ના થાય. જેને નવ્વાણું થયેલા છે, એને સો(100)ના દર્શન થાય. પણ અડસઠ હોય તેને તો ઓગણોસિત્તેરના દર્શન થાય. વીતરાગની હાજરી ગઈ પછી તો બધું ચંચળ જ, અચળતાના દર્શન ના થાય.
આ ચંચળને આત્મા માને છે અને આત્મા છે એનાથી જગતને પરિચય નથી. આત્માને અચળ માને છે અને અક્રિય માને છે પણ પોતે જે માને છે એ મિકેનિકલ આત્મા જ છે અને એની બધી ક્રિયાઓ ચંચળ હોય છે. આ તો અવિરોધાભાસ પામ્યો તો સિદ્ધાંત પ્રાપ્ત થઈ ગયો !