________________
(૫) નિશ્ચેતન ચેતન
૧૫૩
પ્રશ્નકર્તા : નિશ્ચેતન ચેતન એટલે કઈ શક્તિ કહી શકાય ?
દાદાશ્રી : નિશ્ચેતન ચેતન એટલે ડિસ્ચાર્જ ચેતન છે. કોઈ પણ વસ્તુ ‘આપણે’ ચાર્જ કરી હોય તો પછી ડિસ્ચાર્જ એની મેળે થાય કે ના થાય ? એમાં ‘આપણે’ કશું કરવું પડે ? એની મેળે ક્રિયા થયા કરે. આમાં કોઈને કશું કરવું પડતું નથી. એટલે આ બધું ડિસ્ચાર્જ છે, ઈફેક્ટિવ છે અને ઈફેક્ટિવ શક્તિને હું નિશ્ચેતન ચેતન કહું છું. ઈફેક્ટિવમાં ચેતન નહીં હોવા છતાં ચેતન જેવું દેખાય એટલે નિશ્ચેતન ચેતન કહું છું.
ચેતનના બે ભાગ : ૧) જ્ઞાન ચેતન તે શુદ્ધ ચેતન અને ૨) ઈફેક્ટિવ ચેતન. સંસારનું ચેતન તે ઈફેક્ટિવ ચેતન છે. આ ઈફેક્ટિવ ચેતનના બે ભાગ. ‘હું કરું છું' તેમ કહે એથી બંધન થાય છે ને બીજું ‘હું ભોગવું છું’ એથી બંધન થતું નથી, પણ તેમાંથી બીજી ઈચ્છાઓ ઊભી થાય છે. ઈચ્છા કરી કે દિવાસળી ચાંપી. ઈચ્છા પૂરી ના થાય ત્યાં સુધી બળ્યા જ કરે. જ્યાં સુધી ઈચ્છાનું કારખાનું ચાલુ છે ત્યાં સુધી બળ્યા જ કરે. ત્યાં સુધી સંસાર કેમ અટકે ? આખુંય જગત ઈફેક્ટિવ ચેતનમાં વર્તે છે. આપણને ઈફેક્ટિવ ચેતન ખરું પણ તે ફળ આપીને નીકળી જાય છે, છૂટી જાય છે. બંધનનું બીજ ના નખાય. કારણ કે અંદરનું સ્વરૂપ સુખ આવ્યાથી બીજી ઈચ્છાઓ ઊભી ના થાય.
આત્મ ભાતે ‘તું' શુદ્ધ ચેતન, નહીં તો નિશ્ચેતન ચેતન
પ્રશ્નકર્તા : હવે એ નિશ્ચેતન ચેતન તમે કોને કહો છો ? પુરુષને (મનુષ્યોને) કહો છો કે બધાને ?
દાદાશ્રી : બધાને.
પ્રશ્નકર્તા : ઝાડને પણ નિશ્ચેતન ચેતન કહેવાય ?
દાદાશ્રી : ઝાડનેય નિશ્ચેતન ચેતન જ. જે ચેતન નથી છતાં ચેતન જેવા બધા લક્ષણવાળું છે.
આપણો દેહ નિશ્ચેતન ચેતન છે અને આપણે ‘પોતે’ શુદ્ધ ચેતન છીએ. જ્યાં સુધી શુદ્ધ ચેતન નથી થયો ત્યાં સુધી તું નિશ્ચેતન ચેતન છે.