________________
૧૪૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
ગૂણે કરીને નિશ્ચેતન, લક્ષણે કરીને ચેતન
આ શુદ્ધાત્મા સિવાય બધું મહીં મિકેનિકલ છે અને નિશ્ચેતન ચેતન છે. નિશ્ચેતન ચેતન છે એ ચેતન જ નથી. ચેતન જેવા બધાં લક્ષણ દેખાય પણ ગુણધર્મ ના હોય. ગુણધર્મ એને એય ના દેખાય. જેમ આ સોનું ને પિત્તળ હોય, તે લક્ષણ બધા સરખા દેખાય ? સોનાને અને પિત્તળને બેઉને છાશમાં નાખે તો પિત્તળને કાટ ચઢી જાય અને સોનું એમને એમ જ રહે. આ પિત્તળના લોટાને સરસ અજવાળીએ તો સોના જેવો દેખાય કે ના દેખાય ? અને જ્યારે વેચવા જઈએ ત્યારે શું ઉપજે ? કંઈ નહીં. તેમ લક્ષણ સરખા હોય પણ ગુણધર્મ ના દેખાય તે શું કામનું ? ગુણધર્મ વગરની વસ્તુ એક્સેપ્ટ કરાય નહીં.
આ બધાય મનુષ્યો ચેતનવાળા છે પણ તે નિશ્ચેતન ચેતન છે. જેમ ગીલેટિયા સોનાના લક્ષણ દેખાય પણ તેમાં સોનાના ગુણધર્મ ના હોય, એવી રીતે આ મનુષ્યોમાં ચેતનના લક્ષણ દેખાય છે પણ ગુણધર્મ નથી, તેથી નિશ્ચેતન ચેતન કહેવાય. આત્મા સ્વ-સ્વભાવિક ગુણધર્મવાળો છે. દરેક વસ્તુ તેના ગુણધર્મથી ઓળખાય.
નિશ્ચેતન ચેતન એટલે કે ગુણોએ કરીને નિશ્ચેતન અને લક્ષણે કરીને ચેતન. કોઈ પૂછે કે દાન આપવાનો વિચાર આવે છે તે ચેતન ના કહેવાય ? ના, વિચાર એ ચેતન ગુણ નથી. એ વિનાશી છે. નિરંતર સાથે રહેનારું એક પણ લક્ષણ હોય તો તે ચેતન છે. નિશ્ચેતન ચેતનના બધા જ લક્ષણ વિનાશી છે અને ચેતનના બધા જ લક્ષણ અવિનાશી છે. આત્માનો એક ગુણ વધઘટ ના થાય ને નિશ્ચેતન ચેતનના ગુણ વધઘટ
થાય.
મનુષ્યોમાં ચેતન જેવા લક્ષણો છે પણ છે નિશ્ચેતન ચેતન. તે લક્ષણોને લઈને જગતના સાધુ-આચાર્યો બધા એમ જાણે કે ‘હું આ આત્મા છું.’ આટલી ભાવના તો આત્માની હોવી જ જોઈએ ને, કહેશે. હવે એ જેને આત્મા માની રહ્યા છે, તેને હું કહું છું કે એ તો નિશ્ચેતન ચેતન છે.