________________
(૪) મિશ્ર ચેતન
૧૨૩
રોંગ માન્યતાએ ઊભું થયું મિશ્ર ચેતત
આ મિશ્ર ચેતન કેવી રીતે ઊભું થાય કે જ્ઞાન ના હોય તે માણસ એમ જ કહેને કે ‘હું ચંદુભાઈ છું’ અને ચંદુભાઈ કરીને બોલ્યો, છે રિયલ ને રિલેટિવ બોલે છે, એટલે ભ્રાંતિથી બોલે છે. એટલે ઈગોઈઝમ છે. એને અહંકાર છે. જ્યાં પોતે નથી ત્યાં આગળ પોતાપણું માનવું, પોતાપણાનો આરોપ કરવો એનું નામ (સૂક્ષ્મતમ) અહંકાર. એ મિશ્ર ચેતનથી કર્મ બંધાય. એ કહે કે ‘મેં આ કર્યું', એની સાથે કર્મ બંધાય. કારણ કે કર્તા પોતે છે નહીં. એને એવું ખોટું ભાસે છે. ખાલી ભાસ્યમાન પરિણામ છે, એને સાચા પરિણામ માને છે.
પ્રશ્નકર્તા : જ્યારે કર્મના રજકણો ચાર્જ થાય છે, તો હવે જ્યારે વ્યવહાર આત્મા (મિશ્ર ચેતન) ભાવ કરે છે (અજ્ઞાન દશામાં) ત્યારે ચાર્જ થાય છે ?
દાદાશ્રી : એ ભાવથી જ ઊભું થયેલું ને વ્યવહાર આત્માનો વિશેષ ભાવ છે એ.
પ્રશ્નકર્તા : વ્યવહાર આત્માનો એ વિશેષ ભાવ છે, કારણ કે બે ભેગા થયા એટલે ઊભું થયું.
દાદાશ્રી : વિશેષ ભાવ છે એ. મિશ્ર ચેતન એમને એમ એનો જન્મ થયેલો નથી, વ્યવહાર આત્માની બિલીફ બગડી છે.
પ્રશ્નકર્તા : બિલીફ બગડી છે કે ‘આ હું છું'.
દાદાશ્રી : હા, એ એનાથી આ ઊભું થયું છે. છતાં મૂળ આત્મા તેવો ને તેવો જ છે.
પ્રશ્નકર્તા : પણ એ ચાર્જ વખતે, હવે જે ચાર્જ કરે છે ત્યારે મૂળ આત્મા ભળેલો જ હોય છે એની અંદર ?
દાદાશ્રી : ના.
પ્રશ્નકર્તા ઃ નહીંને ! હવે એ વ્યવહાર આત્મા ચાર્જ કરે છે એને ?