________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
‘હું જ કરું છું આ’ અને ભોગવે છેય એ. એ અહંકારનું જ બધું આ છે. જો અહંકાર જાય અને દૃષ્ટિ બદલાય તો ખલાસ થઈ ગયું.
૧૨૨
પ્રશ્નકર્તા : રોંગ બિલીફથી આટલું મોટું પરિણામ આવે ?
દાદાશ્રી : બિલીફ એટલે ભગવાનની બિલીફ, આ જેવી તેવી કહેવાય ભગવાનની બિલીફ ! બિલીફ એટલે તો વસ્તુ તોડી નાખે. તે બિલીફમાં ચેતન પેસી ગયેલું. એને ‘મિશ્ર ચેતન’ કહેવું પડે.
મિશ્ર ચેતન છે જડ પણ કરે નાટક ‘ચેતન’ જેવું પ્રશ્નકર્તા : એ મિશ્ર ચેતનની વ્યાખ્યા શું ?
દાદાશ્રી : મિશ્ર ચેતન એટલે જે ચેતન નથી, જડ છે. છે જડ અને ચેતનના જેવા લક્ષણ દેખાય છે. લક્ષણેય દેખાય છે ને ચારિત્રય એવા દેખાય. એટલે વર્તનેય એવું દેખાય ચેતન જેવું, છે જડ.
જડમાં કોઈ દિવસ ‘ચેતન’ હોય નહીં ને ચેતનમાં કોઈ દિવસ જડ હોય નહીં. માત્ર આ શરીર એકલું જ ‘મિશ્ર ચેતન' છે (અજ્ઞાનીને). ચેતન જેવું કામ કરે છે, પણ ખરેખર ચેતન નથી. આ જે ચેતન દેખાય છે ને, તે બધા મિશ્ર ચેતન જ છે.
પ્રશ્નકર્તા : પણ તે ચૈતન્યથી જ દેખી શકાયને ?
દાદાશ્રી : ચૈતન્યથી જ બધું દેખાય છે આ જગત. પણ જે ચૈતન્ય જગતને જુએ છે એ મિશ્ર ચેતન છે. શુદ્ધ ચેતન ન જોઈ શકે, મિશ્ર ચેતન જોઈ શકે.
આ શરીર, ચેતન અને મિશ્ર ચેતનનું બનેલું છે. તે ચેતન ખુદ પરમાત્મા છે અને મિશ્ર ચેતનમાં આ બૉડી છે, મન છે, વાણી છે. બધું આ અંતઃકરણ એ બધું જ મિશ્ર ચેતન છે.
પ્રશ્નકર્તા : એ મિશ્ર ચેતનનો વધારે ફોડ આપશો ?
દાદાશ્રી : જે પુદ્ગલમાં હુંપણું માને છે એ મિશ્ર ચેતન. હુંપણાના ભાવ રહેલા છે, ‘હું, હું' એ અવળી માન્યતા છે તે જ એ.