________________
શાસ્ત્રોમાં વ્યવહાર આત્મા લખેલું છે, પણ લોકો એને ભૂલી જઈને શુદ્ધાત્માને આરોપ આપવા માંડ્યા. વ્યવહાર આત્મા એટલે પોતે પ્રતિષ્ઠા કરેલો તે પ્રતિષ્ઠિત આત્મા, તે બધું ભોગવે છે. શુદ્ધાત્મા તો પરમાનંદી છે.
આપણે અક્રમમાં જેને (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા કહીએ છીએ, એને ક્રમિક માર્ગમાં વ્યવહાર આત્મા કહે છે. એને જ આત્મા માનીને એને જ સ્થિર કરવાનો છે, એને જ કર્મ રહિત કરવાનો છે, આજ કર્મથી બંધાયો છે એવું માનીને તપ-ત્યાગ કરે છે, પણ મૂળ આત્મા કર્મથી મુક્ત જ છે એનું પોતાને ભાન નથી. એ ભાન આવે એની જરૂર છે. આ અજ્ઞાન કાઢવાની જરૂર છે. માટે એ મૂળ આત્માને ‘તું’ જાણ, તો એ મુક્ત જ છે.
સુખ ભોગવે છે, દુ:ખ ભોગવે છે તે અહંકાર. એને ભગવાન મહાવીરે વ્યવહાર આત્મા કહ્યો. એને દાદાશ્રીએ પ્રતિષ્ઠિત આત્મા કહ્યો, પાવર ચેતન કહ્યું. પાવર ખલાસ થઈ જશે તો પૂતળું પડી જશે અને પોતે અજ્ઞાનતાથી, રોંગ બિલીફથી નવું પાવર ચેતન ઊભું કરે છે. પોતે પોતાની પ્રતિષ્ઠા કરે છે મૂર્તિમાં, ‘હું ચંદુ છું’.
ક્રમિક માર્ગમાં વેદકતા એ આત્માનો ગુણ માનવામાં આવે છે. એમની દૃષ્ટિએ કરેક્ટ છે, કારણ કે ત્યાં પ્રતિષ્ઠિત આત્માને જ આત્મા માનવામાં આવે છે. જ્યારે અક્રમમાં મૂળ આત્માને આત્મા કહીએ છીએ. એ આત્માને વેદકતા ના હોય.
ના ગમતું આવે ત્યારે દ્વેષ કરે પણ તે કયો આત્મા ? પ્રતિષ્ઠિત આત્મા. મૂળ આત્મા (મૂળ હું) તો અક્રમ વિજ્ઞાન સિવાય જડે નહીં. હવે ક્રમિક માર્ગમાં પ્રતિષ્ઠિત આત્મા (ડેવલપ થતો હું) (વ્યવહાર આત્મા) તેને વીતરાગ બનાવવાનો છે. દરેક અવતારમાં ભાવના ફેરવ ફેરવ કરવાની, ભાવકર્મથી ભાવના ફરે, એમ કરતા કરતા વીતરાગ થાવ. અક્રમમાં મૂળ આત્મા વીતરાગ જ છે, તેનું પોતાને (ડેવલપ થતા હુંને) ભાન કરાવ્યું. આ જ્ઞાન પ્રાપ્તિ થાય છે ત્યારે પોતે આત્મારૂપ જ થઈ જાય છે. હવે બાકી રહ્યું તેનો સમભાવે નિકાલ કરી નાખો.
મૂળ આત્માની વાત જાણતા જ નથીને ! અને આ જે છે એ આત્મા જ ચોખ્ખો થવો જોઈએ, એ ચોખ્ખો થઈ ગયો કે મોક્ષ થશે !
20