________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
બિલીફ રૂપે આવ્યો, પાવર ચેતાનો પાવર
અને તે પાવર ચેતન “હું” સુખ-દુઃખને વેદે છે. પછી જ્યારે દુઃખ જ પડે છે, ત્યારે દુ:ખમાંથી છુટકારો ખોળે છે, તે મોક્ષ.
તે “હુને દુઃખ પડે છે. એ આત્માને તો કશું અડતું નથી. પણ હવે આ એનું દુઃખ પડતું બંધ કેમ થાય? એ દુઃખનો અનુભવ થાય છે ને ! કારણ કે હુંપણાની બિલીફ છે. બિલીફ એટલે શું કે ચેતનનો આમાં પાવર ભરેલો છે, માન્યું છે માટે. પાવર કેવો આવ્યો ચેતનનો ? બિલીફ રૂપે. એ પાવરનું દુઃખ છે. એ પાવર આમાં છેને, તે દુઃખ છે. પાવર ખેંચાઈ જાય એટલે દુઃખ જતું રહે. એટલે આ સેલમાં પાવર વપરાઈ જાયને પછી સેલ ખાલી. વ્યતિરેક ગુણથી આ પાવર ઊભો થયો છે. આને વ્યવહાર આત્મા કહેવાય. ખરેખર આત્મા નથી, પ્રતિષ્ઠિત આત્મા છે.
હવે “એને શુદ્ધ આત્માની બિલીફ બેસતી નથી, એને પાવર ચેતનની બિલીફ બેસે છે. એટલે તે અજ્ઞાનતાને લઈને આ સંસાર આપણો ઊભો થયો છે. બાકી આત્મા તો ભગવાન જ છે. પણ એને આ સંજોગોને લઈને આજે મૂઢ દશા ઉત્પન્ન થઈ છે. મૂઢ દશા એટલે શું કે ભૌતિક સુખોની “એને ઈચ્છા થઈ. પોતે નર્યું સુખનું ધામ છે, નિરંતર સુખનું ધામ પોતે જ, છતાંય પણ આજે દશા આવી થઈ છે. એટલે “એને આ ભૌતિક સુખોની ભાવના થઈ, મૂળ આત્માને નહીં. આત્મામાંથી ઊભું થયેલું છે પાવર ચેતન. એ પાવર ચેતનથી આ બધું ચાલે છે.
અને જે પ્રતિષ્ઠિત આત્મા તે પાવર આત્મા છે. એને પાવર ઊભો થયેલો છે. એટલે પાવર આત્મા આ બધું ચલાવે છે. શુદ્ધ ચૈતન્ય તો એમ જ જ્ઞાતા-દ્રષ્ટા તરીકે રહે છે કાયમને માટે. એમાં ફેરફાર નથી થતો. ને જે શુદ્ધ ચૈતન્ય છે તે જ પરમાત્મા છે અને પાવર આત્મા એ જીવ છે. એ પેલો શિવ છે. આ જીવ જીવપણું સમજી જાય તો શિવ થઈ જાય. ઉપાધિ સ્વરૂપ જીવ છે, નિરુપાધિ સ્વરૂપ ચેતન છે. બે તત્ત્વો એકાકાર થઈ ગયા છે અને એ તો પછી જ્ઞાનથી એ બે તત્ત્વોને જુદા પાડે ત્યારે છૂટે.