________________
૮૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૩) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જુદાં, વ્યવહાર જુદો પ્રશ્નકર્તા: તો પછી દરેક માણસની બૅટરી જુદી જુદી કેમ ચાર્જ થાય છે ? મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકાર જુદા જુદા કેમ ચાર્જ થાય છે, આત્મા તો એક જ છે તો પછી ?
દાદાશ્રી : જુદા જુદા એટલે ઈલેક્ટ્રિસિટી એક જ જાતની, વીજળી એક જ જાતની, પણ આ લાઈટ, પંખા, રેડિયો બધું દરેક જુદું જુદું કામ કરે છે ને ! એટલે જે સાધન છે તેની મારફત. એટલે પોતે કશું કરતો નથી. પોતે જતોય નથી. એની હાજરીમાં જે તેના ગુણ છે તે ઉત્પન્ન થઈ જાય છે અને એક્ઝોસ્ટ થયા જ કરે છે નિરંતર. એને કરાવવું પડતું નથી, એ ઈફેક્ટ છે. ઈફેક્ટ એટલે શું? એ પરિણામ એની મેળે પામ્યા જ કરે. એની મેળે જ, કોઝીઝ છે તે પાછું નવું ભરાયા કરે અને પછી ઈફેક્ટ (પરિણામ) પામ્યા કરે.
વસ્તુ તો એકની એક છે પણ એની જોડની ચાર વસ્તુમાં ફેર છે. કે દરેક જીવ પોતાના ક્ષેત્ર ઉપર ઊભો રહ્યો છે. તમારું ક્ષેત્ર જુદું, મારું ક્ષેત્ર જુદું, દરેક જીવમાત્રનું ક્ષેત્ર જુદું. એટલે એને જુદું જુદું ક્ષેત્રફળ મળે છે, પછી કાળ જુદો. જ્યાં કાળ બદલાય, તે મારો કાળ બદલાય, તે મને ક્ષેત્ર જુદું આપે, તમને જુદું આપે. કાળ તો એક પ્રકારનો લાગુ થાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. હવે દ્રવ્ય શું? ત્યારે કહે, ગયા અવતારની પ્રકૃતિ હતી તે. પછી આ ક્ષેત્ર તેનું, આ કાળ અને પાછો ભાવ ઉત્પન્ન થાય એને લાંચ ના લેતો હોય તેને ભાવ શું ઉત્પન્ન થાય કે હવે લેવી જોઈએ. એટલે દરેકનું જુદું જુદું જ હોય, એનો આ બધો વ્યવહાર, આત્મા તો, ચેતન તો એક જ પ્રકારનું, વ્યવહાર જુદો. અને વ્યવહાર એ ચેતન નથી. વ્યવહાર એ નિશ્ચેતન ચેતન છે. અને તેને જ ચેતન માને છે તે જ આ ભ્રાંતિ છે.
આત્માની હાજરીથી ચાલે દેહરૂપી મશિનરી પ્રશ્નકર્તા: આ બૉડી (શરીર) પડ્યું છે, તેમાંથી આત્મા નીકળી ગયો એટલે આને કોઈ ઈફેક્ટ નથી. લાતો મારો, ગમે તે કરો. હવે એ આત્માની જોડે એવી બીજી કોઈ ચીજ છે કે લાગણી દર્શાવતું હોય?