________________
(૩.૧) પાવર ચેતનનું સ્વરૂપ
૮૧
પ્રશ્નકર્તા : એકલું જડ એવું ન કરે પણ પાવર ચેતન એવું કરે.
દાદાશ્રી : જડ તો કશું કરે જ નહીં. જડ એના સ્વભાવમાં હોય. પણ આ ‘પાવર ચેતન’ છેને, તે તો ગાળો ભાંડે, ઢેખાળો મારે, બધુંય કરે. કલેક્ટર હઉ થાય, વડાપ્રધાન થાય. આ પાવર ચેતન, દરઅસલ ચૈતન્ય નહીં.
પ્રશ્નકર્તા : એટલે ભાવનિદ્રામાં છે એને પાવર ચેતન કહીએ છીએ ?
દાદાશ્રી : હા, ભાવનિદ્રાનું.
પ્રશ્નકર્તા : દાદા, એવું ના કહેવાય કે આ જે જડ અને ચૈતન્ય, બે
જોડે આવવાથી સામીપ્યભાવ આવ્યો અને જે વિશેષભાવ થયો એ પાવર ચેતન કહેવાય ?
દાદાશ્રી : હા, વિશેષભાવ એ જ પાવર ચેતન. ચેતન નથી છતાં ચેતન જેવું દેખાય છે બધું આ. આ દુનિયાના બધાંય પૂતળાં ચેતન નથી છતાં ચેતન જેવાં દેખાય છે. એટલે આપણા લોક કહે છે, ‘મને આણે આમ કર્યું, આણે તેમ કર્યું.’ કોર્ટો ચાલે છે, કોર્ટમાં મેજિસ્ટ્રેટેય ચેતન નથી, છતાં ચેતન જેવા દેખાય અને ગાડું ચાલ્યા કરે છે.
પ્રશ્નકર્તા : એટલે આ જડ છે ત્યાં આગળ પાવર ચેતન આવે તો ચેતનની હાજરીમાં જડ છે તે કંઈક જીવંત રીતે કામ કરતું દેખાય એવું ખરુંને ?
દાદાશ્રી : ચેતનની હાજરીમાં જડ શક્તિ એટલી બધી ઉત્પન્ન થાય છે કે ફાવે એ બધું કરી શકે. એ જીવતા માણસ જેટલું કૂદાકૂદ કરે.
પ્રશ્નકર્તા : જેમ કે આમ આપણું શરીર ચાલે છે તો આત્મા તો કંઈ કરતો નથી એટલે આત્માની હાજરીમાં શરીર કામ કરી રહ્યું છે.
દાદાશ્રી : આત્માની હાજરીમાં આમાં અંદર પાવર ઉત્પન્ન થાય છે. આ શરીરમાં પાવર પેસે છે અને પાવર છે જ્યાં સુધી, પેલી બૅટરી ચાર્જ છે ત્યાં સુધી પાવરથી ચાલે છે. ફરી પાવર ના ભરાવે તો બૅટરી ઊડી જાય.