________________
૭૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પ્રશ્નકર્તા ઃ એટલે જ્ઞાન આપ્યા પછી વ્યવહાર આત્મા સંપૂર્ણ ઊડી
જાય છે ?
દાદાશ્રી : સંપૂર્ણ ઊડી જાય. જે આજ્ઞા પાળવાની એટલા અંશે ભાવકર્મ રહે છે. બાકી ભાવકર્મ ઉડાડી મેલ્યું.
પ્રશ્નકર્તા : પણ આજ્ઞાનું પાલન કરવા પૂરતું તો ભાવકર્મ ૨હેને ?
દાદાશ્રી : એટલું ભાવકર્મ રહે પેલું, એનું ધર્મધ્યાન ઉપજે. આજ્ઞા કોઈ ના પાળે, ઓછી પળાય તો એટલું એનું જે સુખ આવતું હોય તે ના આવે, તે મૂંઝવણો ભોગવવી પડે, સફોકેશન ઊભું થાય.
મારા ન્હોય' કરી તોડો આધાર
પ્રશ્નકર્તા ઃ આ જ્ઞાન મળ્યા પછી અમારે શું કરવાનું રહ્યું ?
દાદાશ્રી : વસ્તુસ્થિતિમાં પ્રયોગ કરવા જોઈએ કે અનાદિ કાળથી આ સંસાર શેના આધારે ઊભો રહ્યો છે, જે આધાર હજુ તૂટ્યો નથી. એટલે એનો આધાર તોડ તોડ કરવો પડે. આપણું જ્ઞાન લીધા પછી શું તોડ તોડ કરવું પડે ? જેના આધારે આ જગત ઊભું રહ્યું છે, સંસાર ઊભો રહ્યો છે એ આધાર તોડવો જોઈએ. હવે કેટલાકને આધાર તૂટી જાય છે અને કેટલાકને આધાર ઊભો રહેલો છે. તે આધાર તોડ તોડ કરવાનો છે, બીજું કશું છે નહીં.
હવે શેનાં આધારે જગત ઊભું રહ્યું છે ? ત્યારે કહે, મનમાં જે પર્યાયો છે, મનની અવસ્થાઓ, તેમાં આત્મા(વ્યવહાર આત્મા) તન્મયાકાર થાય છે, તેથી સંસાર ઊભો રહ્યો છે. નથી બુદ્ધિ પજવતી, નથી કોઈ પજવતું. એટલે મનના પર્યાયોને તોડ તોડ કરવા જોઈએ. ‘આ મારા ન્હોય, મારા ન્હોય', ત્યાં જ બેઠા બેઠા હલાય હલાય જ કરવું જોઈએ. એ તોડ તોડ કરે કે છૂટો થઈ ગયો. અનાદિનો અભ્યાસ છે ને, છૂટો થવા દેતો નથી. તે એને મીઠાશ વર્તે છે. એ શુદ્ધાત્માને નથી વર્તતી, અહંકારને વર્તે છે. એટલે એ તોડ તોડ કરવું પડે. બેને છૂટું જોવું પડે. ‘મારું ન્હોય’ કહ્યું તોય છૂટું પાડ્યું કહેવાય, પછી જોવાય.