________________
(૨) વ્યવહાર આત્મા
પહેલા દર્શન થાય. એટલે પ્રતીતિ પહેલી બેસે, પછી ભાન થાય એનું સંપૂર્ણ. ભાન પછી થાય એને, પણ પ્રતીતિ પહેલી બેસે કે આ કહે છે એમ જ છું હું. ‘હું ખરેખર આ ચંદુલાલ નથી' એવી એની પ્રતીતિ બેસે. પછી એને ભાન થાય.
૭૩
પ્રશ્નકર્તા : એટલે પછી ભાન થાય છે એને. એ ભાન ને પછી હજુ આગળ જ્ઞાન રહ્યું ?
દાદાશ્રી : એ ભાન એ જ જ્ઞાનની નિશાની. રોજ રોજ ભાન થતું જાય. જેટલો અનુભવ થતો જાય એટલું ભાન થતું જાય. સંપૂર્ણ ભાન પ્રગટ થયું એટલે વર્તનમાં આવે. અને વર્તન એ કેવળજ્ઞાન છે.
કાં તો ભાનમાં રહો કે કાં તો જ્ઞાનમાં રહો. મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદન અસંગ જ છું, મન-વચન-કાયાની ટેવોને હું જાણું છું ને મારા સ્વ-સ્વભાવને પણ હું જાણું છું એવું ભાન રહેવું જોઇએ. બિલીફ અને ભાનમાં ફેર છે. બિલીફ અને લક્ષ તો તમને જ્ઞાન આપ્યું ત્યારે જ બેસી ગયા છે. હવે ભાન રહેવું જોઇએ. બિલીફ આત્મા-લક્ષ આત્માભાન આત્મા-જ્ઞાન આત્મા ને છેલ્લે પૂર્ણ થયું તે ચારિત્ર આત્મા. આ જ્ઞાન આપીએ છીએ કે તરત જ તમે બિલીફ આત્મા-લક્ષ આત્મામાં આવ્યા, તે પછી ભાન આત્મામાં આવો. ભાન આત્મામાં આવો તો તમને કશું જ અડતું નથી કે નડતું પણ નથી. અમે નિરંતર જ્ઞાન આત્મામાં રહીએ છીએ, ચારિત્ર આત્મામાં આવ્યા નથી. ચારિત્ર આત્મામાં આવ્યો તો પૂર્ણત્વ થઇ ગયું. જે દોષો થાય છે કે થયા તેનું ભાન તમને થયું, તો દોષ તમને અડતા જ નથી.
તૂટયું કારણ, વ્યવહાર આત્માનું
પ્રશ્નકર્તા ઃ જ્ઞાન આપ્યા પછી જ્ઞાન ક્રિયાશીલ છે એટલે વ્યવહાર આત્મા ઓછો થતો જાય ?
દાદાશ્રી : વ્યવહાર આત્માનું કારણ તૂટી જાય. વ્યવહાર આત્માનું કારણ ભાવકર્મ છે. ભાવકર્મ આપણે ઉડાડી મેલીએ છીએ એટલે વ્યવહાર આત્મા ઊડી ગયો. ભાવકર્મ જ ઉડાડી દીધું.