________________
४८
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
થાય છે તે અવસ્થા પર્યાયાંતર થયા કરે છે અને શુદ્ધાત્મા જ્ઞાયક પોતે એ બધી અવસ્થાઓને નિહાળે છે. પ્રકૃતિને નિહાળે એ શુદ્ધાત્મા અને આ પ્રકૃતિ એ પેલો પ્રતિષ્ઠિત આત્મા. એટલે પ્રકૃતિને નિહાળવાની છે. બીજો કંઈ પુરુષાર્થ હોતો નથી. આ શુદ્ધાત્મા પ્રકૃતિને નિહાળે કે આ મન, બુદ્ધિ એ બધું શું કરી રહ્યું છે, એને નિહાળ્યા કરે. એ પોતે જ્ઞાયક સ્વભાવમાં રહે અને આ જોય સ્વભાવમાં રહે.
આપણે તો મૂળ ચેતનને ઓળખી, મૂળ ચેતનમાં રહી અને આનો નિવેડો લાવવાનો. આ મૂળ ચેતનમાં પોતે ના રહીને આ ઊભું થયું છે. હવે આપણે મૂળ ચેતનમાં રહીને આનો નિકાલ કરી નાખવાનો. બીજું કશું કરવાનું નથી.
એ શુદ્ધાત્મા જે છે ને, તે એને શુદ્ધાત્મા બોલવું ના પડે એટલે ભગવાન થઈ ગયો અને બોલવું પડે છે ત્યાં સુધી કચાશ છે.
પ્રશ્નકર્તા ઃ એટલે બન્નેનું પદ એક જ, શુદ્ધાત્મા પદ અને ભગવાનનું પદ ? દાદાશ્રી : એક જ, એક જ, ફેર નહીં.
અહંકાર ત્યાં સ્વાધ્યાય, અહીં તો જ્ઞાતા-દ્રષ્ટા
પ્રશ્નકર્તા : દાદાએ જ્ઞાન આપ્યા પછી પ્રતિષ્ઠિત આત્મા જે છૂટો પડ્યો. હવે એ પ્રતિષ્ઠિત આત્માની અંદર જે આ ડિસ્ચાર્જ અહંકાર ને માન, બુદ્ધિ, આ બધું જે રહેલું છે. હવે એ ડિસ્ચાર્જમાં આ ચડ્યો, આ વધ્યો, આ ઓછો થયો, આ આવ્યો. હવે આ બધું જે જોયા કરવું, એ પોતાની આ ચોપડીનું અધ્યયન કરી રહ્યો છે, એને સ્વાધ્યાય કહી શકાય કે ના કહી શકાય ?
દાદાશ્રી : ના, આને સ્વાધ્યાય કહેવાય જ નહીં. આ તો જ્ઞાતાદ્રષ્ટાપણું કહેવાય. આ તો ટૉપમોસ્ટ કહેવાય, આત્મરમણતા કહેવાય.
પ્રશ્નકર્તા: બરાબર છે. કારણ કે ત્યાં અધ્યયન કરનારો ગેરહાજર છે. ત્યાં અધ્યયન કરનારો કોઈ નથી.