________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
અજ્ઞાન અવસ્થામાં જે મોહ ડિસ્ચાર્જ થાય છે ત્યારે ફરી ચાર્જ પણ કરે છે. એટલે પ્રતિષ્ઠિત થયા કરે છે. ચાર્જ થાય એટલે પ્રતિષ્ઠા થાય. પણ જ્ઞાન મળ્યા પછી ડિસ્ચાર્જ થાય અને ફરી તે વખતે ચાર્જ ન કરે. એટલે પ્રતિષ્ઠિત ના થાય. પ્રતિષ્ઠિત થયેલો છે, તે નીકળતો જાય અને નવી પ્રતિષ્ઠા ના કરે.
જ્ઞાન ના હોય તો જૂની પ્રતિષ્ઠા ફળ આપીને ફરી નવી પ્રતિષ્ઠા ઊભી કરતી જાય છે અને એના આવતા ભવો બંધાય છે. અને હવે તમારે પ્રતિષ્ઠા ઊડી ગઈ અને ચંદુભાઈ છું ગયું ને “હું શુદ્ધાત્મા છું એ લક્ષ રહે છે. એટલે પ્રતિષ્ઠા થવાની બંધ થઈ. જેને અલખનું લક્ષ બેઠું એનું કામ થઈ ગયું ! છતાં વ્યવહારમાં આનો ફાધર, આનો ધણી એ તો લક્ષમાં રહેને ! ડ્રામામાં લક્ષ્મીચંદ હોય ને ભર્તુહરીનો ડ્રામા ભજવતો હોય તો પોતે લક્ષ્મીચંદ, વખતે પોતાને ભૂલે ? ના ભૂલે.
પ્રશ્નકર્તા: એટલે આપે જ્ઞાન આપ્યું પછી આ પ્રતિષ્ઠિત આત્માનો આખો પ્રોસેસ ઉડાડી દીધો કે નહીં ?
દાદાશ્રી : ઉડાડી દીધો કે દાખલ કર્યો ?
પ્રશ્નકર્તા : હવે નવો પ્રતિષ્ઠિત આત્મા બનવાનો નહીંને, દાદાજી ?
દાદાશ્રી : બનવાનો નહીં. હા, હા, નવું ઉત્પન્ન થવા ના દે, બરાબર છે. પ્રતિષ્ઠિત આત્મા એટલે મન-વચન-કાયાની ત્રણ બૅટરીઓ, તે આ અવતારમાં ત્રણેવ બૅટરીઓ ખાલી થઈ જાય. એટલે ડિસ્ચાર્જ થયા કરવાની, નવી ચાર્જ નહીં થવાની.
આપણે ચાર્જ થતું બંધ કરાવીએ છીએ. એટલે પ્રતિષ્ઠા બંધ થઈ જાય છે. એટલે નવો સંસાર ઊભો થતો બંધ થઈ ગયો. હવે જે છે એને નિકાલ કરી નાખીએ. એ નિકાલ થવા માટે જ આવ્યો છે ને નિકાલ કરવાનો છે. આ મડદાલ અહંકાર છે તે એમાં ડખલ કરે તો એ બગડે છે, નહીં તો એ તો એની મેળે નિકાલ થવા માટે જ આવ્યું છે.