________________
૨૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પ્રશ્નકર્તા : મૂળ આત્મા મોક્ષમાં છે ?
દાદાશ્રી : મૂળ આત્મા મોક્ષમાં જ છે. આત્મા સિવાયનું જે કરે છે તે કોણ કરે છે ? તે પ્રતિષ્ઠિત આત્મા કરે છે. આને ‘પુદ્ગલ’ કહીએ છીએ. આ માણસો શું કરે છે કે ‘હું જ આચાર્ય છું' એવું બોલ બોલ કરે છે, તે પોતાની પ્રતિષ્ઠા કરે છે. તે શામાં કરે છે ? પુદ્ગલમાં. તેનાથી પેલો પ્રતિષ્ઠિત આત્મા આખી જિંદગી કામ કર્યા કરે. પ્રતિષ્ઠા કરવાનું એક ભવ બંધ કરે એટલે નવું ચાર્જ ના થાય.
‘પ્રત્યક્ષ' જ્ઞાતી જ, હકીકત પ્રકાશે
હવે આવી વાત પુસ્તકોમાં તો લખેલી હોય નહીં, એટલે શી રીતે માણસ ફરે ? પુસ્તકમાં લખેલું તો કેવું હોય કે કઢીમાં મરચું, મીઠું, હળદર, ગોળ બધું નાખજો. પણ શું શું વસ્તુ ને કઈ રીતે એનું પ્રમાણ લેવું, એ તો ના હોય ને એટલે આ વસ્તુ એને અંદરખાને સમજાય નહીંને ! એટલે આ પ્રતિષ્ઠિત આત્માને જ જગત આખું આત્મા માની બેઠું છે અને એને સ્થિર કરવા માગે છે. અને તેય ખોટી વસ્તુ નથી, સ્થિર તો કરવું જોઈએ. અને એને સ્થિર કરવાથી આનંદ થાય. જેટલો વખત આ પ્રતિષ્ઠિત આત્મા સ્થિર થાય, રાત્રે ઊંઘમાં તો સ્થિર થાય છે પણ દહાડેય જેટલો વખત સ્થિર થાય, એટલો વખત એને આનંદ થાય. પણ એ આનંદ કેવો કે, સ્થિરતા તૂટી કે હતો તેવો ને તેવો જ થઈ જાય. હવે જો એ જોડે જોડે એમ જાણે કે મૂળ આત્મા તો સ્થિર જ છે, તો ‘પોતે’ એડજસ્ટમેન્ટ લઈ શકે. પણ મૂળ આત્માની વાત લોકોને ખબર જ નથી. આ પ્રતિષ્ઠિત આત્માને જ ‘આત્મા’ સ્વીકારવામાં આવેલો છે અને આ ખરેખર આત્મા છે નહીં. પ્રતિષ્ઠિત આત્મા એ પુદ્ગલ છે, એમાં ચેતન જ નથી.
જે સ્વભાવે ચંચળ, તે અચળ કેમ કરીને થાય ?
જુઓને, આ સાધુઓ કેટલો બધો ત્યાગ-તપ કરે છે ! શેના હારુ સાહેબ તપ કરો છો ? ત્યારે કહે, આત્મા જાણવા માટે. અલ્યા, આત્મા તેવો નથી. આ તો ચંચળને અચળ કરવા જાવ છો ! ના, કોઈ દા'ડોય, કોઈ કાળેય નહીં થાય. સ્વભાવથી જ ચંચળ છે ને આ તો પ્રતિષ્ઠિત આત્મા છે.