________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
એની મૂળ જગ્યાએ બેસી જાય એટલે થઈ ગયું. કશું છે જ નહીં આમાં. અસ્તિત્વ તો છે જ પણ વસ્તુત્વનું તને ભાન રહ્યું નથી. માટે એ ભાન તારું આવી જાય તો તું તે જ રૂપે છું. આત્મા ફરી સમો કરવો પડતો હોત તો કોઈનોયે ના થાય.
નોતર્યા પોતે જ દુખ-સુખને પ્રતિષ્ઠિત આત્મા આ જગતનું અધિષ્ઠાન છે. એટલે તમારે જે આ ચંદુલાલ છે, તેનો પ્રતિષ્ઠિત આત્મા કોણ ? ત્યારે કહે, “હું ચંદુલાલ જ છું એ જ.” મૂળ આત્મસ્વરૂપે વર્ણન ના કરે. “હું ચંદુલાલ છું, આ દેહ મારો છે, આ મારું એ છે, આ મારું આમ છે, મન મારું છે. આપણે કહીએ, “અમર છો કે મરવાનો છું ?” ત્યારે કહે, “મરવાનો છું.” એ પ્રતિષ્ઠિત આત્મા છે. “એ” એમ નથી જાણતો કે “હું અમર છું.” એટલે જે સ્વભાવિક આત્મા છે, તેને કશી લેવાદેવા જ નથી.
બધું બોલે, ચાલે, શાદી હઉ કરી આવે. પાછો મૂઓ રાંડ હલે. તો વિધુર થયો, કહેશે. મૂઆ, વિધવા થયો કે વિધુર ? ત્યારે કહે, વિધવા તો મારી વાઈફ થાયને ! હું તો વિધુર, બધું સમજે પાછો. કોણ વિધવા થાય, કોણ વિધુર થાય, બધું સમજે. ના સમજે ? પ્રતિષ્ઠિત આત્મા. પ્રતિષ્ઠા કરેલી છે, તેનું ફળ આપે છે.
આ પ્રતિષ્ઠિત આત્મા તારો ઊભો કરેલો, “છું, આ મારું છે, આમ છે, તેમ છે.” એ જો “પોતે પોતાની પ્રતિષ્ઠા કેવી કરી રહ્યો છે ? ડાહ્યો છે? ગાંડો છે ?
પ્રશ્નકર્તા: ડાહ્યો, એકદમ ડાહ્યો.
દાદાશ્રી : અને પોતાના દુઃખ પોતે બોલાવેલા છે. આમાં વચ્ચે ડખલ નથી કોઈની. તેં જ બોલાવ્યું કે ઊંઘ નહીં આવે તો ચાલશે, પણ મને આટલા ડૉલર મળવા જોઈએ. તે ડૉલર મળ્યા, પેલી ઊંઘ ના આવે. હવે પછી “ઊંઘ જોઈએ” કહે, એ ચાલે નહીંને ! હવે નક્કી કરો કે ચિંતા વગરનું જીવન જોઈએ અને મોક્ષે જવું છે.