________________
૪૨
આશ્ચર્ય અનુભવવા લાગ્યા.
ચારે બાળકોએ પિતાજી' કહી દોટ મૂકી. બાળકો પિતાને જોઈ ગાંડાધેલા બન્યા. કાલીઘેલી ભાષામાં પૂછવા લાગ્યા, “પિતાજી! આટલા દિવસ ક્યાં ગયા હતા ? અમને તમારા વિના બિલકુલ ગમતું ન હતું. પિતાજી! તમે કેમ કાંઈ બોલતા નથી ? તમે એક ક્ષણ પણ અમને અળગા કરતા ન હતા અને હવે અમને છોડીને ચાલ્યા ગયા? પિતાજી! તમે અમારા વિના ભોજન પણ કરતા ન હતા. શું હવે એકલા ભોજન કરવું ગમે છે? પિતાજી! ઘરે ચાલો” આવું કહી ચારે બાળકો મૂર્તિ ઉપાડવાની ચેષ્ટા કરવા લાગ્યા. મૂર્તિ ન ઉપડી ત્યારે કોઈએ પગ પકડયા, કોઈએ હાથ પકડયા, કોઈ બાથે વળગ્યો, તો કોઈ ખોળામાં ચડી બેઠો. કૃતપુણ્ય શેઠની આંખમાં સ્નેહની છાલકુ ઉડી રહી હતી. રંગમોલના રમનારાને જોઈ પુત્રવધૂઓની આંખમાં પાણી બંધાણા. નલિનીના નીરમાં કાંકરી પડે ને વર્તુળો પડે તેમ પુત્રવધૂઓના ગાલ પર હાસ્યના હળવા ગલ પડયા. ઉગતા અરૂણની લાલી જેવી પુત્રવધૂઓના મોં ઉપર રાતડય ફૂટી ગઈ. ધનદેવ અને રૂપવતી પોતાના રચેલા કાવતરાથી ભયભીત બન્યા. નગરજનો આ લીલા નિહાળી રહ્યાં હતાં. અભયકુમાર મંત્રી સચ્ચાઈ પારખી ગયા.
શાંતિના પારેવા સમાન કૃતપુણ્ય શેઠ તરત જ ઊભા થઈ શેઠ-શેઠાણીને ચરણે ઝૂકી પડ્યા. તેમણે કહ્યું, “આપ મારા માતા-પિતા સમાન છો. ભયને દૂર કરો. આપની પુત્રવધૂઓએ ભાતામાં આપેલા મોદકનો જ આ મહિમા છે. મોદકમાંથી નીકળેલા રત્નોને કારણે જ હું રાજવીનો જમાઈ બન્યો છું.” કૃતપુણ્ય શેઠની મોટપની ભાવનાથી શેઠ-શેઠાણીને ધરપત થઈ.
અભયકુમારે ધનદેવ શેઠને કહ્યું, “ચારે પુત્રવધૂઓ કૃતપુણ્ય શેઠને દિલથી ચાહે છે, એ તેમના ચહેરા પરથી વંચાઈ રહ્યું છે. વળી, ખોવાયેલો પિતૃખોળો મળતાં બાળકો આનંદથી નાચી ઉઠયા છે. હવે તમારો શો નિર્ણય છે?”
શેઠે કહ્યું, “મહામંત્રી ! ચારે પુત્રવધૂઓ નિર્ણય લેવામાં સ્વતંત્ર છે. કોઈના ઉપર હું દબાણ નહીં કરું. એમના નિર્ણયમાં મારી સહર્ષ સંમતિ છે.”
ચારે પુત્રવધૂઓ કૃતપુણ્ય શેઠના ચરણની રજ તરીકે દાસી જેવા દેદારમાં શેઠની આસપાસ ગોઠવાઈ ગઈ. વૃક્ષને વેલ વીંટળાય તેમ સૌ કૃતપુણ્યને ઘેરી વળ્યા. પ્રીતની સરવાણીઓ સામસામી ફૂટી. કૃતપુણ્ય શેઠના મનોરથ પૂર્ણ થયા. ચારે સુંદરીઓ સંતાન સહિત મળી તેમજ કરોડોની સંપત્તિ પણ પ્રાપ્ત થઈ. કૃતપુણ્ય શેઠનું ભાગ્યોદય સોળે કળાએ ખીલ્યું.
ધન્યા, અનંગસુંદરી, મનોરમા, ચિત્રાંગદા, લવંગીકા, દીપિકા અને માધવી આ સાત સાત સુંદરીઓ, વિવેકી પુત્રો, અપાર સંપત્તિથી કૃતપુણ્ય શેઠ શોભી રહ્યાં હતાં. તેમને જોઈ મગધની ધરા ધન્યતાનો અનુભવ કરી રહી હતી.
- એકવાર ભગવાન શ્રી મહાવીર પ્રભુ રાજગૃહી નગરીમાં પધાર્યા. દેવતાઓએ સમવસરણની રચના કરી. વનપાલકોએ તીર્થંકર પરમાત્માના શુભાગમનની વધામણી આપી. કયવન્નાશેઠ પોતાની સાતે પત્નીઓ તથા પરિવાર સાથે ઠાઠમાઠથી પ્રભુની દેશના સાંભળવા આવ્યા.