________________
४०
વાત બની, એ જ રીતે એ પછીના બાર વર્ષ પણ અણધારી રીતે સુખના સ્વર્ગલોકની સહેલગાહમાં જ વીતી ગયા. જેમ રેતીનો કૂવો સ્થાન બદલે તેમ મેં પુયરૂપી પવન પ્રમાણે સ્થાન બદલ્યું.'ધનદેવ શેઠના મહેલે વિતાવેલા બાર વર્ષની ચિત્રવિચિત્ર કહાણી કૃતપુયે ધન્યાને કહી સંભળાવી. વનમાં દાવાનળ જાગે અને ત્યાં જ અણધારી મુશળધાર વર્ષા વરસે એટલે દાવાનળ શાંત થઈ જાય, તેમ ધન્યા પતિની ગતિવિધિઓ જાણી તહ્ન શાંત થઈ ગઈ.
મૈત્રીભાવ ઈચ્છતી પ્રેમાળ ધન્યાએ કહ્યું, “સ્વામીનાથ ! ધનદેવ શેઠની પુત્રવધૂઓનો સંપર્ક સાધી તેમનો આભાર જરૂર માનવો જોઈએ.”
કૃતપુણ્ય શેઠે કહ્યું, “મને પણ તેવી જ ઈચ્છા થાય છે. પુણ્યનિધિ જેવા ચાર પુત્રો છે. તેમના મુખદર્શનની તીવ્ર તલપ જાગી છે. પરંતુ એમના રહેઠાણ અંગેની કોઈ માહિતી નથી. દરિયા જેટલી વિરાટ રાજગૃહી નગરીમાં તેમનો સંપર્ક કઈ રીતે થઈ શકે? મેં બાર વર્ષમાં સાતમા માળની હવેલીની બહાર પગ મૂક્યો નથી. મહેલમાં ગયો ત્યારે રાત હતી. પડાવમાં આવ્યો ત્યારે પણ રાત હતી. ધનદેવશેઠનો પત્તો કઈ રીતે મેળવવો એ જ મોટો પ્રશ્ન છે.”
કૃતપુય શેઠે આજે ધન્યા સમક્ષ અંતરના દ્વાર ખોલી નાખ્યા. તેના મન પરનો મેરુ જેવડો મોટો ભાર હટી ગયો. હવે સુખદ સ્થિતિનો અનુભવ થયો, પરંતુ પુત્રોને મળવાની મનમાં તીવ્ર તલપ જાગી હતી.
કૃતપુણ્ય શેઠને પોતાના મનોરથની પૂર્તિ માટે અભયકુમારની યાદ આવી ગઈ. આમ પણ સાળા-બનેવી વચ્ચે ચંદ્ર અને કુમુદિની જેવી ઘનિષ્ઠ મિત્રતા હતી. એક દિવસ શેઠ કૃતપુણ્ય અભયકુમારને મળવા ગયા. તેમણે અભયકુમારને પોતાની જીવનવૈચિત્ર્યની આત્મકથા એક પણ અક્ષર છુપાવ્યા વિના કહી સંભળાવી. કૃતપુણ્યએ ચારે સ્ત્રીઓ સાથે ભોગવેલાં સુખો વર્ણવ્યાં. ચારે સ્ત્રીઓને પોતાના સહવાસથી એક એક પુત્રની પ્રાપ્તિ થયાનું પણ જણાવ્યું. અભયકુમારના મુખ પર ઘડીકમાં આશ્ચર્યની, ઘડીકમાં આઘાતની, ઘડીકમાં અહોભાવની પલટાતી લાગણી ઉપસતી હતી. સૌભાગ્ય અને દુર્ભાગ્યની સંતાકુકડીના આવા બદલાતા ખેલ એમણે જોયા કે સાંભળ્યા ન હતા. તેમને અચંભો થયો. આવું બની શકે ખરું?
કૃતપુણ્ય શેઠે લોકલાજ છોડી મુદ્દાની વાત કરતાં કહ્યું, “બુદ્ધિનિધાન! ચાર સંતાનોને મળવા મન અધીરું બન્યું છે. તેમની સાથે મેળાપ થાય તેવું પ્રભાત ક્યારે ઉગશે?' આટલું બોલતાં બોલતાં કૃતપુણ્ય શેઠ ભાવનાઓની સૃષ્ટિમાં ડૂબી ગયા. તેમના મુખ પર વિષાદની છાયા હતી.
આંતરિક મનોવલણને પારખી જનારા અભયકુમારે કહ્યું, “તમારા ચારે પુત્રો તમને ઓળખે કે નહીં?' કૃતપુણ્યએ કહ્યું, “અવશ્ય ઓળખે. તેઓ રોજ હાથ વડે મૂછ પકડતા અને ખોળામાં બેસી બાપા-બાપા કહી બોલાવતા.” અભયકુમારે કહ્યું, “તમારી ભાવનાઓ વહેલામાં વહેલી તકે સફળ થશે. તે માટે મને એક માસની અવધિ આપો. તમારા પ્રેમ પાત્રોનું મિલન અવશ્ય થશે.” મંત્રી અભયકુમાર અને કૃતપુણ્ય શેઠ છૂટા પડ્યા. મહામંત્રી રહસ્ય ઉકેલવાની તજવીજમાં ગોઠવાયા.