________________
૩૯
રાજવી શ્રેણિકે મનોરમાના કૃતપુણ્ય સાથે લગ્ન જાહેર કરી શુભમુહૂર્તે વિવાહ કરાવ્યા. આ પ્રસંગે મૃગલોચની, સૌભાગ્યવતી સ્ત્રીઓએ મંગળ ગીતો ગાયાં. લીલા વાંસનો માંડવો બંધાયો. અગ્નિદેવની સાક્ષીએ, ગોર મહારાજના મંત્રોચ્ચાર દ્વારા, મહાજનની હાજરીમાં લગ્નના ચાર ફેરા સંપન્ન થયા. મહારાણીએ વર-વધૂને કંસાર પીરસ્યો. નવ વિવાહિત દંપતીએ એકબીજાને કંસાર ખવડાવ્યો. રાજાએ બાર ક્રોડ સોનામહોરો પુત્રીને કરિયાવરમાં આપી.
મહારાજાએ કૃતપુણ્યના હાથમાં જલકાંતમણિ મૂક્યું. કૃતપુણ્યને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. ‘ચાર રત્નો મૂકવાનું કાર્ય પોતાના સહવાસમાં આવેલી ચાર સ્ત્રીઓનું જ કૃતજ્ઞયુક્ત કૃત્ય છે. અણધારા રાજ્ય અને રમાની પ્રાપ્તિ કરાવનાર આ મણિ જ છે. આ મણિ મારા ખેસના છેડે બાંધેલ મોદકમાંથી નીકળ્યો હોવાથી આ મોદક જરૂર રત્નગર્ભિત હોવાં જોઈએ. ખરેખર! મારા ભાગ્યમાં અણધારી ઋદ્ધિની પ્રાપ્તિનો યોગ જ લખાયો છે!
બાર વર્ષ પૂર્વે અચાનક અનંગસુંદરીનો સંગ થયો. વેપારાર્થે નીકળ્યો ત્યાં કલ્પનાતીત રીતે ધનદેવ શેઠના મહેલમાં પહોંચ્યો. ત્યાં બાર વર્ષ સુધી માનવંતો મહેમાન બની રહ્યો. ત્યાંથી તરછોડાયા બાદ એકાએક અર્ધરાજ્ય અને રાજકન્યા મળી!’
લોકો કૃતપુણ્યના અદ્ભુત સૌભાગ્યના સરવાળા ગુણાકાર માંડતાં થાકતાં ન હતાં. મનોરમા સાથે વિવાહ કરી કૃતપુણ્ય રાજવી શ્રેણિકના જમાઈ બન્યા. રાજગૃહીના રાજતિલક તરીકે ‘શેઠ કયવન્ના’ની ગણના થવા માંડી. તે લોકપ્રિય બની ગયા.
રાજાએ વચનપાલન કરવા કંદોઈના તેની જ જ્ઞાતિની કન્યા સાથે લગ્ન કરાવી, એકાદ ગામડાનું સ્વામીત્વ સોંપ્યું. કંદોઈ ખુશ થઈ ગયો.
ધન્યાએ વરકન્યાના જોડલાને ઘેર, મૂસળ, રવૈયો, ત્રાક અને જળ વડે પોંખીને વધાવ્યા. કરિયાવરમાં આવેલી સુવર્ણમુદ્રાઓ અને જલકાંતમણિ તિજોરીમાં મૂક્યા. શેઠની હવેલીમાં હાથી, ઘોડા, રથ અને અનેક બળદોના જોડલાં હતાં. પૂર્વે જે ૧૦૮ વાણિજ પુત્રો હતાં તેમને બોલાવીને પુનઃ હવેલીમાં રાખ્યા. લક્ષ્મીદેવીની મહેર થતાં કૃતપુણ્ય શેઠના દેદાર ફરી ગયા. નોકર-ચાકર, પદપ્રતિષ્ઠા, નામના-કામનામાં જબરદસ્ત પલટો આવી ગયો.
ધન્યાના આનંદનો કોઈ પાર ન હતો. પરંતુ તેને એક મૂંઝવણ સતાવતી હતી કે, ‘પરદેશ જઈને એક કોડીની કમાણી ન કરી શકનાર સ્વામીના ખેસના છેડે મોદકમાં છૂપાવીને મહાકિંમતી જલકાંતમણિ કોણે મૂક્યાં હશે ?' ધન્યાના મનમાં ગડમથલ ચાલી રહી હતી.
એક દિવસ એકાંત મળતાં જ બાળ ભાવે પુણ્યનિધિએ પૂછયું, ‘“પિતાજી! રત્નગર્ભિત મોદક આપને કોણે આપ્યા?'' ધન્યા બાજુમાં જ બેઠી હતી. ધન્યાનો પણ એ જ સવાલ હતો. પુણ્યનિધિની હાજરીમાં રહસ્ય ખુલ્લું કરવું ઉચિત ન હોવાથી ગોળગોળ વાતો કરી તેને ફોસલાવી રમવા મોકલ્યો. ધન્યા સમક્ષ રહસ્યોદ્ઘાટન કરતાં શેઠે કહ્યું,
“ધન્યા! હું તને અંધારામાં રાખવા નથી માંગતો. મારા બાર વર્ષનો વેશ્યાવાસ કલ્પનાતીત