________________
૫૨૧
મહારાજા શ્રેણિકના પૂછાયેલા પ્રશ્નનાં ઉત્તરના રૂપમાં ભગવાન મહાવીરના મુખેથી કૃતપુણ્યનું ભાવિ ઉદ્ઘાટિત થયું છે. કવિશ્રી વિજયશેખરજીએ મહામંત્રી અભયકુમાર દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરરૂપે સર્વજ્ઞ પ્રભુના મુખેથી કયવન્નાનો પૂર્વભવ સભ્યો છે. આમ, આ બન્ને કવિઓ થોડા જુદા પડે છે. અહીં રાજગૃહી નગરીના રાજવીઓને કયવન્નાનો પૂર્વભવ સાંભળવાનો તલસાટ જાગ્યો છે, એવું આ બન્ને કવિઓ દર્શાવવા માંગે છે.
કયવન્નાના મનમાં બે વિરોધી પરિસ્થિતિઓ સંબંધી ધુમરાતી (સાંપ્રત ભવની સમસ્યા સુખમાં વિક્ષેપ અને સંપત્તિની છાકમછોળ કયા કર્મથી પ્રાપ્ત થઈ) આશંકાનું નિરાકરણ ભગવાન મહાવીરે કર્યું; એવું બાકીના કવિઓ આલેખે છે. મૂળ કથામાં કયવન્નાએ જ પોતાના પૂર્વભવ સંબંધી જિજ્ઞાસા જાગતાં પરમાત્માને પ્રશ્ન કર્યો છે.
અંધારિયા ખંડમાં એક દીવો પ્રગટે અને ચોપાસ ઉજાસ ફેલાઈ જાય છે, તેમ પરમાત્માની દેશના આત્મશુદ્ધિ અને સમાધિ માટે શુભ નિમિત્તરૂપ બની.
પ્રસ્તુત કૃતિઓમાં પ્રાચીન કાળની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક જીવનની વિશિષ્ટ સ્મૃતિઓ લિપિબદ્ધ કરવાનો કવિઓએ સુભગ પ્રયાસ કર્યો છે, જે પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય ઈતિહાસને જાણવા માટે સેતુરૂપ છે.
શૈલીમાં ભાવને અનુરૂપ પ્રસાદિકતા સારી રીતે જળવાઈ છે. પદ્ય કૃતિઓમાં દુહા અને ઢાળ (ચોપાઈ) ક્રમબદ્ધ છે. કવિઓએ કાવ્ય દેહને પોતાની કાવ્ય શક્તિ દ્વારા સુશોભિત કરવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. અલંકાર, કહેવતો, સુભાષિતો ટાંકી પોતાના વક્તવ્યને વધુ અસરકારક બનાવ્યું છે. પદ્મસાગરજી અમે દીપ્તિવિજયજી જેવા રચનાકારોએ સંસ્કૃત શ્લોકો ટાંકી કૃતિની મૂલ્યવત્તા વધારી છે તેમજ પોતાનું પાંડિત્ય છતું કર્યું છે.
કવિશ્રી જયરંગમુનિની કૃતિમાં અભિપ્રેત પ્રત્યેક પ્રાસંગિક વર્ણનો સુદીર્ઘરીતે પ્રયોજાયેલાં છે. આ વર્ણનોમાં દીર્ઘ અનુભવ, અનાયાશ પ્રબળ સર્જક્તા, જીવંતતા જેવા સર્જક ગુણો જોવા મળે છે. કવિશ્રીની અગાધ જ્ઞાનની તેમજ ભાષા ઉપરની હથોટીનો ખ્યાલ આવે છે. તેમની અભિવ્યક્તિમાં એક જાતનું પૂર્ણત્વ, આભિજાત્ય અને સુસંસ્કૃતતા જણાય છે. ઘટનાઓને પ્રસ્તુત કરવાની પદ્ધતિ અજોડ છે. દીર્ધ વર્ણનોમાં પણ તાદશતા અને રસમયતા જળવાઈ રહી છે. આ દષ્ટિએ આ કૃતિ સર્વશ્રેષ્ઠ ગણી શકાય.
કાવ્યરસોને કલમમાં પકડી લેવાની કળા કવિશ્રી દીપ્તિવિજયજીએ આત્મસાત કરી છે તેથી તેમની કૃતિમાં અતિશયોક્તિ વિના નિર્ભેળ વાસ્તવિક્તા પ્રગટ થઈ છે.
- કવિશ્રી બદષભદાસજીની કૃતિમાં કૃતપુણ્યના પૂર્વભવનું શબ્દચિત્ર અનોખી રીતે, કલ્પનાના રંગો ભરી આલેખાયું છે. કવિશ્રીએ પ્રસંગોપાત સંગીતની રાગ-રાગિણીઓની વિશદ નામાવલિ નોંધી પોતાની સંગીત કળાની પ્રિયતા અને વિદ્વત્તાદર્શાવી છે.
કવિશ્રી ફતેહચંદજી, કવિશ્રી કલ્યાણસાગરજી, કવિશ્રી લાલવિજયજી, કવિશ્રી રતનસૂરિજી જેવા કેટલાકકવિઓની કૃતિ ટૂંકાણમાં આલેખાયેલી હોવાથી વર્ણનોની ભરમાર નથી પરંતુ ટૂંકા સંવાદો સચોટ અને અસરકારક છે. એ દષ્ટિએ આ લઘુકૃતિઓ વિશિષ્ટગણાય.