________________
૫૨૨
પ્રકરણ : ૬ પરિશિષ્ટ વિભાગ
૧. વિવિધ કાવ્ય સ્વરૂપો
મધ્યકાલીન કવિઓએ ‘કયવન્ના ચરિત્ર’ને નજર સમક્ષ રાખી કાવ્ય રચના કરી છે. આ કવિઓએ વિવિધ કાવ્ય સ્વરૂપોનો આશ્રય લીધો છે. આ ગ્રંથમાં જુદા જુદા કવિઓએ ભિન્ન ભિન્ન કાવ્ય પ્રકારોમાં પોતાની કવિતાને ઢાળી છે. આ વિવિધ કાવ્યસ્વરૂપોનો પરિચય પ્રસ્તુત છે.
૧. સંધિ કાવ્ય સ્વરૂપ અને સમીક્ષા
જૈન સાહિત્યના વિવિધ કાવ્ય પ્રકારોમાં ‘સંધિ’ કાવ્ય પ્રકાર વિખ્યાત છે. સામાન્ય રીતે જૈન કાવ્ય પ્રકારો પર સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશનો પ્રભાવ પડયો છે. ‘સંધિ’ સંજ્ઞાવાળા કાવ્યો અપભ્રંશ ભાષામાં પ્રાપ્ત થાય છે.
સંધિ એટલે જોડાણ. વ્યાકરણની દૃષ્ટિએ સ્વરસંધિ અને વ્યંજન સંધિ જોડાણને ‘સંધિ’ કહેવાય છે. કાવ્યની દૃષ્ટિએ વ્યાકરણનો અર્થ અભિપ્રેત નથી.
સંસ્કૃત મહાકાવ્યોમાં વસ્તુ વિભાજન માટે સર્ગ અને પ્રાકૃત મહાકાવ્યોમાં ‘આખ્યાન’ શબ્દપ્રયોગ વ્યંજિત થયો છે. તેવી જ રીતે અપભ્રંશ મહાકાવ્યોમાં આ ‘સંધિ’ શબ્દનો પ્રયોગ થયેલો જોવા મળે છે. આમ, સંધિ એટલે અપભ્રંશ મહાકાવ્યની રચનામાં વસ્તુ વિભાજન માટે પ્રયોજાતો શબ્દ.
સંધિબદ્ધ કાવ્યમાં પણ વિભાજન માટે ‘કડવક’ શબ્દપ્રયોગ થયો છે. કાવ્યના આરંભમાં આઠ પંક્તિનું અથવા આઠ કડીનું ‘કડવક’ હોય છે. આ કડવકના અંતે ‘ધત્તા’ નામની એક કડી હોય છે. ‘કડવક’ ની પંક્તિઓ અંત્યાનુપ્રાસ હોય છે.
આ કાવ્યનું સ્વરૂપ વિચારીએ તો પ્રારંભની એક કડીમાં દેવ-ગુરુની સ્તુતિનો મિતાક્ષરી ઉલ્લેખ કરી સંધિ કાવ્ય રચવામાં આવે છે. ‘કડવડ’માં ઓછામાં ઓછી ૮ પંક્તિઓ અને વધુમાં વધુ ૪૦ પંક્તિઓ હોય છે. ‘કડવડ’ને અંતે કર્તામાં નામનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ફળ શ્રુતિનો નિર્દેશ કરવામાં આવે છે. વ્યક્તિના ચારિત્રના વિવિધ લક્ષણો અને પ્રસંગોનું કાવ્યના સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરે છે. રસ નિષ્પત્તિ કાવ્યનું મહત્ત્વનું લક્ષણ છે.
પ્રાકૃત અને અપભ્રંશ કાવ્યોમાં વર્ણન અને રસ નિરૂપણના મિશ્રણવાળી કૃતિઓ રચાઈ છે. જેમ કે - ધનેશ્વરસૂરિ કૃત ‘સુરસુંદરી ચરિય’ (ઈ.સ. ૧૦૩૮); વર્ધમાન સૂરિ કૃત ‘આદિનાથ ચરિત્ર’ અને ‘મનોરમા કથા’ (ઈ.સ. ૧૦૮૪); દેવચંદ્રસૂરિનું ‘મૂલ શુદ્ધિ પ્રકરણ’ (ઈ.સ. ૧૦૮૯), ‘શાંતિનાથ ચરિત’ (ઈ.સ. ૧૧૦૪); આમદેવસૂરિ કૃત ‘આખ્યાન કથા મણિકોશવૃત્તિ' (ઈ.સ. ૧૧૩૪ઞ; સોમપ્રભસૂરિ કૃત ‘કુમારપાળ પ્રતિબોધ’ (ઈ.સ.૧૧૮૪) વગેરે કૃતિઓમાં કોઈ કોઈ જગ્યાએ પ્રાકૃત અને અપભ્રંશનો ઉભય જોવા મળે છે.
સૌ પ્રથમ ‘સંધિ’ શબ્દપ્રયોગ દેવચંદ્રસૂરિની ‘મૂલ શુદ્ધિકરણ’ કૃતિમાં થયો છે. ઉપરોક્ત માહિતી અનુસાર અનુમાન કરી શકાય કે ઈસુની ૧૨મી સદીમાં પ્રાચીન ગુર્જર ભાષામાં ‘સંધિ’ કાવ્યની રચના થઈ છે.