________________
૪૯૦
કાગડો ઊંટ કે ગધેડા પર બેઠેલો જોવા મળે તો શુભ ગણાય. પ્રવાસના પ્રારંભમાં ઉત્તરમાંથી ઘોડો આવતો દેખાય તો પ્રવાસ શુભ થાય. એ જ રીતે ગધેડાનું સમજવું.
યહૂદી કથાઓની જેમ આપણી કથાઓમાં પણ પ્રથમ વ્યક્તિ મળે તેને આધારે શકુન-અપશકુન ગણાયા છે. જે મંગળ-અમંગળ આશંકાઓનું સૂચક છે. ‘મદનમોહના'માં મોહનાને રજસ્વલા સ્ત્રી, વૈરાગી, વિધવા, કપાળમાં તિલક વગરનો બ્રાહ્મણ, છૂટા કેશવાળી સ્ત્રી, બાયલો પુરુષ, મોચી, ચોર, ખોળ, તેલ, કપાસિયા વગેરેનાં અપશકુન થાય છે. જ્યારે મંત્રોચ્ચાર કરતો બ્રાહ્મણ, ફૂલ છાબ સાથેની માલણ, પનિહારી, કુંવારી કન્યાના હાથમાં પૂજાનો થાળ, અખ્વાણું, નાગરવેલનાં પાન, નૃત્યાંગનાનો નાદ, ગીત ગાતી ગોરીનાં શુભ શકુન થાય છે. ‘સદયવત્સ ચરિત્ર'માં નાયકને ઠૂંઠાના અપશકુન થાય છે. ઉદયભાનુ કૃત ‘વિક્રમ ચરિત્ર'માં લીલાવતીની શોધ માટે વિક્રમ રાજા પ્રસ્થાન કરે છે ત્યારે તેમને અક્ષત પૂરતી, થાળ સાથે આવતી સૌભાગ્યવતી સ્ત્રી, ફૂલછાબ સાથે આવતી માલણ, કેડે પુત્ર તેડેલી સ્ત્રી, હાથીનો સમૂહ, વેશ્યા, પૂજન સામગ્રી સાથેનાં બ્રાહ્મણનાં શકુન થાય છે. વળી, વિક્રમ રાજા વન પ્રવેશ કરે છે ત્યારે દક્ષિણ દિશા તરફ ઉડતી ચીબરી, ડાબી બાજુથી સંભળાતો ગધેડાનો અવાજ, ડાબી બાજુથી દોડી જતું કૂતરું વગેરેના શુભ શકુનો થાય છે.
મધ્યકાલીન કવિઓએ છીંક, લોહી, દર્પણતૂટવું, ફિક્કો ચાંદ, પક્ષીઓનું અમુક રીતે બોલવું, ચરક પડવી, બિલાડીનું આડે ઉતરવું આદિ ક્રિયાને અપશકુનનાં પ્રતીકો માન્યા છે. ‘ધમ્મિલ કુમાર રાસ', ‘વસંતવિલાસ ફાગુ’, ‘પંચાખ્યાન’, વિક્રમકુમાર ચરિત્ર રાસ’, ‘અજાકુમાર રાસ’, ‘ શ્રેણિક અને અભયકુમાર રાસ' જેવી ઘણી કથાઓમાં શકુન - અપશકુનનાં ચિહ્નો જોવા મળે છે.
વર્તમાન કાળે જોશ જોવડાવવાની પ્રથા પરંપરાગત છે. આપણું કોઈ પણ કામ, શુભ મુહૂર્ત કે ચોઘડીયું નક્કી કર્યા વિના થતું નથી. મકાન બાંધવું હોય કે તેમાં રહેવા જવાનું હોય, સંતાન અવતરે ત્યારે નામ પાડવાનું હોય, લગ્ન નક્કી કરવાના હોય, નોકરીમાં જોડાવવાનું હોય, પ્રવાસ કરવાનો હોય આ બધામાં બુદ્ધિ કે તર્કને કોરણે મૂકીને બસ પરંપરા કે વિધિવિધાનને જ શરણે જઈએ છીએ. પરિણામે એક સાથે, અમુક ચોક્કસ દિવસોમાં સેંકડો લગ્ન યોજાય છે. પ્રધાનમંડળની સોગંધવિધિમાં પણ આ જ તાસીરો થાય છે.
વર્તમાન કાળે લગ્નપ્રસંગે જાનની બસ ઉપડે તે પહેલાં પૈડાં નીચે નાળિયેર મૂકી બસ આગળ હંકારવામાં આવે છે. નાળિયેરના કાચલા ઉડી જાય છે અને આમ શકુનવિધિ સાથે જાન ઉપડે છે. શુભ મુહૂર્તમાં કાર્ય કરવાથી કાર્ય પૂર્ણરૂપે સંપન્ન થવાની શક્યતા વધુ હોય છે. એવી ૠષિ-મહર્ષિ, મુનિઓ અને જ્યોતિષી સલાહ આપે છે.
માનવ અંગનું સ્ફુરણ એ પણ શકુન - અપશકુનની માન્યતા સાથે સંકળાયેલું છે. પુરુષોના જમણા અંગોનું સ્ફુરણ શુભ, ડાબા અંગોનું સ્ફુરણ અશુભ અને સ્ત્રીઓના જમણા અંગનું સ્ફુરણ અશુભ અને ડાબા અંગનું સ્ફુરણ શુભ મનાયું છે. સામાન્ય રીતે આ વિષય મધ્યકાલીન કથા સાહિત્યમાં પ્રિયપાત્રથી મિલન અને વિરહની આગાહી રૂપે પ્રયોજાયેલું છે. ‘મૃગાવતી ચરિત્ર'માં રાજાનું જમણું અંગ ફરકે છે તેથી પક્ષી દ્વારા અપહૃત થયેલી મૃગાવતી સાથે રાજાનું મિલન થાય છે. ‘શકુંતલ રાસ’માં શકુંતલાનું જમણું નેત્ર ફરકે છે તેથી દુષ્યંતથી વિખૂટા પડવાનો અવસર આવ્યો. આ જ રાસમાં દુષ્યંતનો જમણો હાથ ફરક્યો ત્યારે તેનું (રાજાનું) શકુંતલા સાથે મિલન થયું. ‘જિભૂતવાહનની કથા'માં નાયિકાનું જમણું નેત્ર ફરક્યું તેથી પ્રિય પાત્રથી વિરહ થયો. ‘કામાવતીની કથા'માં શોભાવતી રાજદરબાર જોવા નીકળે છે તે સમયે તેનું જમણું નેત્ર ફરકે છે તથા રાજા વીરસેન પાસેથી રેશમપટ વેચી મેળવેલું ધન લઈ આવતા કરુણ કુંવરનું ડાબું નેત્ર ફરકે છે. આમ,