________________
૪૮૮
અભયકુમારને પકડવા ચંડપ્રદ્યોતન રાજાએ ગણિકાનો સહારો લીધો હતો અને કોણિક રાજાએ માગધિકા વેશ્યા દ્વારા કુળવાળુક મુનિને ભ્રષ્ટ કરી વિશાલાનગરી જીતી લીધી હતી. (જુઓ ‘રાસ રસાળ’ – કવિ ઋષભદાસ કૃત શ્રેણિક રાસ, ચો. ૧૮, કડી ૧૬૮૩, પૃ. ૩૦૩)
આગમિક વ્યાખ્યાઓમાં પ્રાપ્ત ઉલ્લેખથી જણાય છે કે, વેશ્યાઓ અને ગણિકાઓની પોતાની મૌલિક મર્યાદાઓ હતી, જેનું ઉલ્લંઘન તેઓ કરતી ન હતી. કાન્હડ કઠિયારા અને સ્થૂલિભદ્રનું કથાનક તેના પ્રમાણ છે.
આપણી અભ્યાસની કૃતિ ‘કયવન્ના કથા’માં જ્યારથી ગણિકાપુત્રીએ કૃતપુણ્ય સાથે ગાંધર્વ વિવાહ કર્યા, ત્યારથી તેણે કૃતપુણ્ય સિવાય અન્ય પુરુષ સાથે સંબંધ બાંધ્યો ન હતો.
કેટલીક ગણિકાઓ માત્ર એક જ પુરુષને પોતાનું સર્વસ્વ અર્પણ કરતી હતી. પાટલીપુત્રની ગણિકા ‘કોશા’ બાર વર્ષ સુધી મહામંત્રી શકડાલના પુત્ર સ્થૂલિભદ્ર સાથે રહી. તેણે સ્વપ્નમાં પણ અન્ય કોઈ પુરુષને પતિ રૂપે પ્રાપ્ત કરવાનો વિચાર કર્યો ન હતો. કોશાની રૂપ નીતરતી કામણગારી કાયા રથાધ્યક્ષ રાજકુમાર સુકેતુની લોભી નજરમાં વસી ગઈ. તે કોશા પર અત્યંત આશક્ત હતો. તે ગમે તેમ કરી તેને મેળવવા માંગતો હતો. જ્યારે એને ખબર પડી કે કોશાએ સ્થૂલિભદ્રને વરણ કરી લીધું છે. ત્યારે તેણે સ્ફૂલિભદ્રને પ્રભાવહીન કરવા મહામંત્રી શકડાલની હત્યા કરાવી દીધી. આ પ્રસંગથી સ્થૂલિભદ્ર એટલા વિરક્ત બન્યા કે વનમાં જઈ તપ કરવા લાગ્યા. આ ઘટના કોશા માટે વજ્રપાત સમી સાબિત થઈ. તેમ છતાં એની ચારિત્રિક દૃઢતા પર કોઈ અસર ન પડી. એણે સ્થૂલિભદ્ર સિવાય બીજા કોઈનો વિચાર ન જ કર્યો.
*ઉજ્જૈની નગરીની દેવદત્તાએ પણ મૂલદેવની સાથે શ્રાવક ધર્મ સ્વીકાર કર્યો હતો. (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર- ૨, પૃ. ૨૬)
ગણિકા પાછળ વ્યય થયેલા ધનનો આંક :
ગણિકાએ કૃતપુણ્યના ઘરનું બધું ધન ધીમે ધીમે ઉસેડી લીધું તેવું સર્વ રચનાકારો સ્વીકારે છે.
કવિશ્રી રતનસૂરિજી, કવિશ્રી લાલવિજયજી, કવિશ્રી ઋષભદાસજી, કવિશ્રી જયરંગમુનિજી, કવિશ્રી ફતેહચંદજીએ ધનનું પ્રમાણ દર્શાવતાં ‘બાર ક્રોડ’ સોનામહોરનો આંક ટાંક્યો છે. સ્થૂલિભદ્રના પિતા શકડાલ મંત્રીએ કોશાને ત્યાં રહેલા પુત્રના સુખ પાછળ બાર વર્ષમાં બાર ક્રોડ સોનામહોરો ઠાલવી હતી. કવિશ્રી ગુણવિનયજી, કવિશ્રી ગુણસાગરજી, કવિશ્રી વિજયધર્મધુરંધરજી, અજ્ઞાત કવિશ્રીએ ધનનો આંક દર્શાવ્યો નથી.
કવિશ્રી વિજયશેખરજી પ્રતિદિન ‘૧૦૦૮ દીનાર'નો ઉલ્લેખ કરે છે. એવો જ ઉલ્લેખ ‘ધમ્મિલ કુમાર રાસ'માં થયો છે. નાયકની માતા (સુભદ્રા) પુત્રના સુખ માટે હંમેશાં વસંતસેના વેશ્યાને ત્યાં આઠ હજાર દીનાર મોકલાવતી હતી. (વીરવિજયજી કૃત ધમ્મિલકુમાર રાસ - ખં.૧, ઢા.૪, ક.૧૦)
કવિશ્રી ગંગારામજીએ ‘એક વર્ષમાં ક્રોડ ધન' ટાંકી, બાર વર્ષમાં બાર ક્રોડ સોનૈયા અંકિત કર્યા છે. અજ્ઞાત લેખકે (બાલાવબોધ) ‘હંમેશાં નવું નવું ધન મોકલ્યું', એવું કહી ધનના પ્રમાણનો કોઈ નિશ્ચિત ખુલાસો કર્યો નથી.
કવિશ્રી પદ્મસાગરજી ‘સાઢી સોળ ક્રોડ’ સોનામહોરનો ઉલ્લેખ કરે છે. તેમનો આંક સૌથી વધુ છે.