________________
કટુવચનોથી કૃતપુણ્યનું મન વીંધાયું. તે આ જખમને જીરવી ન શક્યો.
કૃતપુણ્યના ચહેરાનું નૂર ઉડી ગયું. તેના હદયના શત શત ખંડ થઈ ગયા. તેની આબરુ અને રૂબાબનાં ધજાગરા ઉડી ગયા. એ જ ઘડીએ કૃતપુણ્યએ અનંગસુંદરીના મહેલને તિલાંજલી આપી. તે કિં કર્તવ્યમૂઢ બની વિચારવા લાગ્યો કે “ક્યાં જવું?' અનિચ્છાએ એના પગ એને ધન્યાના ઘર તરફ ખેંચી ગયા. ધનેશ્વર શેઠ લાખ પ્રયત્ન કરવા છતાં પુત્રને પાછો ઘરે ન લાવી શક્યા તે કામ વેશ્યાવાસમાંથી હકાલપટ્ટી થતાં કાચી ઘડીમાં પૂર્ણ થયું. કૃતપુયના જીવનમાં સુખની બાદબાકી થઈ.
ગણિકાના મહેલમાં પ્રવેશતી વખતની મનઃસ્થિતિ અને આ પળની મન:સ્થિતિ વચ્ચે આભગાભ જેટલો વિરાટ અને વિપરીત ફરક હતો. કૃતપુણ્યની નજર સામે ભૂતકાળ ઉપસી આવ્યો. ‘સર્વવિરતિના માર્ગે જવાની મારી તમન્ના હતી. મારા મનને મેરુ જેવું અવિચલ માનતો હતો પણ તે તો તકલાદી નીવડયું. મારી ધાર્મિકતા ખોખલી અને દંભી નીવડી. રે! માતા-પિતા, ધન્યા અને ધર્મને ભૂલી હું અનંગસુંદરી પાછળ કામાંધ બની મારા કર્તવ્યને ચૂકી ગયો. ખરેખર! મને ધિક્કાર છે. રે! આ નિયતિએ મારી સાથે કેવાં કેવાં ખેલ રચ્યાં છે.
ગણિકાએ ગણિકાવાસમાંથી અપમાનિત કરી કાઢયો તે એક રીતે સારું જ કર્યું, અન્યથા પાગલ પતંગિયાની જેમ ભોગના ભડકામાં હું હોમાઈ ગયા વિના ન રહ્યો હોત. માતા-પિતાના સંદેશાઓને મેં ગણકાર્યા નહીં, હવે પત્નીને હું શું મોટું બતાવીશ? મેં પિતાના કુળને કલંક લગાવ્યું છે. મેં માતાનું ધાવણ લજવ્યું છે. મેં પત્ની સાથે અન્યાય કર્યો છે. મારાથી ઘણો મોટો વિશ્વાસઘાત થયો છે. અહો હું કેવો કૃતઘ્ની !' વિચારોના વમળોમાં ઘેરાયેલો કૃતપુય વ્યથિત હદયે રાજમાર્ગ પર ધીમે ધીમે ડગ માંડી રહ્યો હતો. ભૂતકાળની સ્મૃતિઓ કૃતપુણ્યને દઝાડી રહી હતી. બાર બાર વર્ષ પછી રંગમહેલમાંથી બહાર આવ્યો હોવાથી દુનિયા નવી નવી લાગતી હતી. તે રાજમાર્ગ પર ચાલતો ઘર તરફ વળ્યો.
નગરજનો કૃતપુણ્યના હાલહવાલ જોઈ આશ્ચર્યાઘાત અનુભવી રહ્યા. નજીકના પરિચિતો દયા ભાવથી પ્રેરાઈ કૃતપુણ્યને તેના ઘર સુધી મૂકી ગયા. વિશાળ મકાન સ્મશાન જેવું ભયંકર દેખાતું હતું.
આજે ધન્યાની ડાબી આંખ ફરકતી હતી, જે શુભ સૂચક હતી. ઘરના દ્વાર બંધ હતા તેથી કૃતપુયે બારીમાંથી અંદર જોવાનો પ્રયત્ન કર્યો. એક સ્ત્રી કંઈક ગુંથી (રેંટિયો કાંતિ)રહી હતી. કૃતપુણ્ય તે સ્ત્રીને ઓળખી ગયો. આ તો તેની પરણેત્તર કુલીન, ઘરરખું અને સતી સ્ત્રી જેવી નિર્મળ ધન્યા હતી ! કૃતપુય ચુપચાપ ધન્યાને જોઈ રહ્યો. તેલ વિનાની વિખરાયેલી એની કેશલટો, રાહુગ્રસ્ત ચંદ્રમા જેવી ઝાંખી ઝાંખી મુખક્રાંતિ, સુકાયેલા બિંબફળની છાલ જેવા નિષ્ઠાણ હોઠ, મરણાસન હરિણી જેવી નિ:સ્પદ આંખો, તન પર અત્યંત સાદા વસ્ત્રો, ન કોઈ શણગાર! અત્યંત સુખ સાહેબીમાં ઉછરેલું આ સુકુમાર પુષ્પ... આજે આ દુ:ખોમાં ? પતિના વાંકે દુ:ખી આ પવિત્ર સ્ત્રીની કફોડી દશા