________________
૨૫
વર્ષોથી જેની સાથે ઘરોબો હતો તે નોકરો ઠઠ્ઠામશ્કરી કરવા લાગ્યા, કેટલાક અપશબ્દો બોલવા લાગ્યા. કેટલાક અઘટિત ટીકા-ટિપ્પણ કરવા લાગ્યા. કેટલાક ઉદ્ધત બની આકરા વેણ બોલવા લાગ્યા.
કૃતપુણ્યને નોકર ચાકરોનો પલટાઈ ચૂકેલો દુર્વ્યવહાર અને અવિવેક પ્રથમ તો અકારણ ભાસતો હતો પરંતુ જ્યારે સત્ય સમજાયું ત્યારે જાણે કોઈએ ગાલ પર જોરદાર તમાચો માર્યો હોય એવી. અંતર્વેદના તે અનુભવી રહ્યો. તેને થયું કે કોઈએ ઊંટના પગ સાથે બાંધીને, ઊંટને માર મારીને ધગધગતાં રણમાં છોડી દીધું ન હોય!તે દાસીઓ દ્વારા આમ તેમ ફંગોળાઈ રહ્યો હતો.વેશ્યાભવનની વ્યક્તિઓમાં આભગાભ જેવું પરિવર્તન આવ્યું હતું તેનાથી તે અજાણ ન હતો. કૃતપુણ્યના ભીતરમાં અંતરદ્વારની બારીઓ ઉઘડી ગઈ. તેને પોતાની પહાડ જેવડી મોટી ભૂલ સમજાઈ. તેના મનમાં પ્રચંડ ઝંઝાવત જાગ્યો.
જ્યાં સુવર્ણ-ધન જ સગાઈ ગણાતી હોય અને જ્યાં સુવર્ણ દ્વારા જ સગપણ જોખાતું હોય ત્યાં શી રીતે રહેવાય? સિંહ કદી કોઈનું અપમાન સહન ન કરે. શું હું સિંહથી પણ નપાવટ! ધિક્કાર છે મને હું અપમાનિત સ્થાનમાં જીવું છું! જેના ખાતર મેં મારા મા-બાપ, પત્નીનો ત્યાગ કર્યો. તેણે જ મને ઠુકરાવ્યો!' અકથ્ય અને અસહ્ય આઘાતથી તે ભીંસાઈ રહ્યો હતો. “રાંડ્યા પછીનું ડહાપણ' ગમે તેટલું દાખવે તેનો શો અર્થ? ઘોડાનાસી છૂટ્યા બાદ તબેલાને તાળું મારવાથી શું વળે ?
કૃતપુણ્યના મુખ પર અંકાયેલી વિષાદની રેખાઓ જોઈ અનંગસુંદરી ગભરાઈ ગઈ. તે કૃતપુણ્યને અનહદ પ્રેમ કરતી હતી. તેણે વારંવાર વિષાદનું કારણ પૂછયું ત્યારે કૃતપુણ્યએ મન કઠણ કરી અનંગસુંદરીને કહ્યું, “મારી સમસ્યાનો એક જ ઉપાય છે, મારી વિદાય! હું બાર બાર વર્ષ સુધી ચક્ષુ બંધ કરી બહારની દુનિયાને ભૂલી ગયો હતો, તે ભૂલનો ભોગ બન્યો છું.”
“નાથ! બાર બાર વર્ષની પ્રીત એક ક્ષણમાં તોડીને જતા રહેશો, તો હું કઈ રીતે જીવી શકીશ?” અનંગસુંદરી કરુણ સ્વરે રુદન કરવા લાગી. તે સાંભળી અક્કા દોડી આવી. માતાના પગ પકડી લેતાં અનંગસુંદરીએ કહ્યું. “માતાજી! ધનેશ્વર શેઠને ઘરેથી બાર બાર વર્ષ પર્યત ઘણું ધના આવ્યું છે. તેમણે પોતાનું ધન આપણને આપી આપણું ઘર ભર્યું છે. માતાજી! કૃતપુણ્યને રોકો. તે મારા સ્વામી છે. હું સર્વસ્વ ભાવે તેમની બની ચૂકી છું. મનથી...પ્રાણથી અને આત્માથી! તેમના વિના હું નહીં જીવી શકું.” હૃદયમાં વલોવાતા વેદનાના તુમુલ તોફાનની રેખાઓ અનંગસુંદરીના મુખ પર ઉપસી આવી. તેનું ફૂલ જેવું હૈયું ન જીરવી શકાય એવી વેદનાથી વ્યાકુળ બન્યું. આંખોમાં અશ્રુના પૂર ઉમટ્યાં. અક્કાએ તે તરફ દુર્લક્ષ્ય સેવ્યું. અક્કાને ડર લાગ્યો કે રખેને કૃતપુણ્ય અહીં જ રહી જાય ! તેને કાઢવાનો આ મોકો જ યોગ્ય છે.
રોષે ભરાયેલી અક્કાએ કાળઝાળ વેણમાં પ્રહાર કરતાં કહ્યું, “કૃતપુણ્ય ! તું કેવો નિર્લજ્જ છે. જો તું નહીં સમજે તો મારે ધક્કા મારી તને બહાર કાઢવો પડશે.” અક્કાની અવળવાણી અને