________________
૨૪
તો...! નીરસ શેરડી તો કૂચો ગણાય. કૂચાનું સ્થાન તો કચરાપેટી જ હોય, રંગભવનમાં નહીં.” કામિનીએ લાભની લાહ્યમાં લોભરૂપી ઘીની આહુતિ ઝીંકી.
ના...ના.. એવું ન કરી શકાય. જો અનંગસુંદરી જાણશે તો ભૂકંપ સર્જાઈ જશે.”
માતાજી! આપ જ કૃતપુણ્ય શેઠને અહીં બોલાવી આપણી રીતભાત સમજાવી દો એટલે સ્વયં ચાલ્યા જશે.” અક્કાને આ વાત ગમી ગઈ. અક્કાનો લોભાગ્નિ ભડ ભડ ભડકી રહ્યો હતો. સંપત્તિની સ્પૃહાનો કેફ વધતો જતો હતો પોતાના નિર્ણયને જલ્દીથી જલ્દી અમલમાં મૂકવાની તક ગોતતી રહી.
બીજે દિવસે અક્કાની વિશ્વાસુ દાસી તક જોઈને કૃતપુણ્યને લેવા આવી. “શેઠજી! તમને માતાજી યાદ કરી રહ્યાં છે.”
“મને....!એકાએક? શું કંઈ કામ છે?'
એ તો મને ખબર નથી પણ આપને લઈ આવવાનું મને સૂચન કર્યું એટલે આવી છું.” કૃતપુણ્ય આસન પરથી ઊભો થયો. તે અક્કાના ઓરડામાં પ્રવેશ્યો. અક્કાએ કૃતપુણ્યને મીઠો આવકાર આપી બેસવા માટે આસન આપ્યું.
માતાજી!ક્ષેમકુશળ તો છો ને? મને શા માટે યાદ કર્યો? મારું શું કામ પડ્યું ?'' “વાતની શરૂઆત શી રીતે કરું..!પણ કહ્યા વિના ચાલે તેમ નથી.'
કૃતપુણ્ય! મારી પુત્રી અનંગસુંદરી રૂપ અને કલામાં પ્રવીણ છે. તારી સાથે વિવાહ થયા પછી તેની કલા જાણે બંધાઈ ગઈ હોય તેવું પ્રતીત થાય છે. હું તેને અમારા વ્યવસાયમાં જોડવા માંગું છું. તું ઘણા સમયથી અહીં રહે છે પરંતુ એક ફૂટી કોડી તેં આપી નથી. અમારા વ્યવસાયમાં પૈસા સાથે જ પ્રેમ હોય છે, માણસ સાથે નહીં. જળ વિનાના સરોવરને મુસાફરો ત્યજી દે છે અને પાંદડા વિનાના વૃક્ષને પક્ષીઓ છોડી દે છે, તેમ અમે નિર્ધનનો તિરસ્કાર કરીએ છીએ. અનંગસુંદરી તારી સાથે પ્રેમનો ડોળ કરે છે. તું ભોળો છે તેથી કંઈ જ સમજતો નથી?'
કૃતપુણ્યના કાને આજ વિચિત્ર વાતો સાંભળવા મળી. ભોળા કૃતપુણ્યને કશું સમજાયું નહીં. તેણે કહ્યું, “તો મારે શું કરવું જોઈએ?”
“તારે અહીંથી ગુપચુપ ચાલ્યા જવું જોઈએ. આ વાત અનંગસુંદરીને ન કરવી. હું તેને સમજાવી દઈશ. તું આજ રાત્રે જ ચાલ્યો જજે.”કૃતપુણ્ય ચૂપચાપ ખંડની બહાર ચાલ્યો ગયો.
બીજીબાજુ ‘કૃતપુણ્યના ઘરેથી હવે ઝાઝું ધન મળવાની આશા રાખવી વ્યર્થ છે' એવું જાણી અક્કાએ ધીરે ધીરે અનંગસુંદરીને કાનભંભેરણી કરવા માંડી. પ્રમાણિક અનંગસુંદરી તૈયાર ન થઈ ત્યારે અક્કાના મુખમાંથી અપશબ્દો ધાણીની જેમ ફૂટવા લાગ્યા. તેણે મહેલમાં રહેલા તમામ દાસદાસીઓને કડક આજ્ઞા કરી કે, “કોઈએ પણ કૃતપુણ્યનો હુકમ માનવો નહીં. તેને વાત વાતમાં હડધૂતા કરી માનભંગ કરવો. તેને હેરાન-પરેશાન કરવાની તમામ યુક્તિઓ અજમાવો જેથી તે સ્વયં ઘર છોડી ચાલ્યો જાય.”