________________
૨૦
મળે છે!!!
એક દિવસ રૂપવતી અનંગસુંદરી કૃતપુણ્યની લગોલગ પહોંચી ગઈ. મસ્તી મજાક! નેણનાં નિમંત્રણ! અનંગસુંદરીએ તેને મોહપાશમાં જકડીને માદક અદાથી કહ્યું, ‘“કૃતપુણ્ય! તમે મારા હૃદયની વાત સમજો. મને મદનબાણ વાગી રહ્યાં છે. મારા ઉદ્યાનમાં વાસંતી કળીઓ ખીલી છે. હું તમારી દાસી છું. તમે જ મારા સ્વામી છો. હું તમને મારા મસ્તકના મુગટ બનાવવા કાકલૂદીભરી અરજ કરું છું. જો હા પાડશો તો જ તમને મુક્ત કરીશ.’’ અનંગસુંદરીએ દેહને માદક વળાંક આપ્યો...ને કૃતપુણ્યના આલિંગનમાં ભીંસાવા તે તરફ ધસી ગઈ! અનંગસુંદરીના સ્નેહબાણોથી કૃતપુણ્ય વીંધાયો. ક્ષણવારમાં સ્વદારા અને પરદારાનું જ્ઞાન ભૂલાઈ ગયું. વાવાઝોડા સામે તણખલું ક્યાં સુધી ઝઝૂમી શકે ? સુસવાટા મારતા પવન સામે દીપકની જ્યોત ક્યાં સુધી ટકી શકે? ખરેખર ! સૌંદર્ય પ્રલોભનના લપસણા માર્ગે સ્થૂલિભદ્ર જેવા ભડવીર જ સ્થિર રહી શકે.
અનંગસુંદરી નૃત્યકળામાં કુશળ હતી, તથાપિ તેનો આચાર વિશુદ્ધ હતો. અનંગસુંદરી પણ કૃતપુણ્ય તરફ આકર્ષાઈ હતી. તે કૃતપુણ્ય સિવાય અન્યને ચાહતી ન હતી. સામાન્ય ગણિકા જેવો તેનો આચાર ન હતો. ભોગવિલાસ કરતાં જ્યારે તેને દ્રવ્યની જરૂર પડતી ત્યારે અક્કા બહુજ કાળજીથી જોઈએ તેટલું ધન મોકલી આપતી હતી. આખરે કૃતપુણ્યે અનંગસુંદરી સાથે અગ્નિદેવતાની સાક્ષીએ ગાંધર્વ વિવાહ કર્યા. તેઓ પતિ-પત્ની બન્યા.
અનંગસુંદરીના લગ્ન પ્રસંગે મહેલમાં મોટા ઉત્સવ જેવું વાતાવરણ જામી ગયું. બીજી બાજુ કૃતપુણ્યના ત્યાગભંગના સમાચાર સાંભળી માતા-પિતાની આનંદની અવધિ ન રહી. ચિર-પ્રતિક્ષીત પળનું આગમન નજીક જણાતું હતું, પુત્રના નવા જન્મની ખુશાલીમાં શેઠે સોનામહોરોની વર્ષાથી રંગસુંદરી(અક્કા)ને ઢાંકી દીધી. અનંગસુંદરીને એક તરફ અઢળક સુવર્ણમુદ્રા મળી અને બીજી તરફ કૃતપુણ્યનો યૌવન ખજાનો મળ્યો. કૃતપુણ્ય અનંગસુંદરીના અબોટ યૌવનરસને પી રહ્યો હતો. અનંગસુંદરી પણ જીવનસંગિની બની પતિને ઝંખતી હતી.
પાણીના રેલાની જેમ સમય ઝટપટ સરકતો ગયો. હવે ધનેશ્વર શેઠે પુત્રને ઘરે બોલાવવા પત્ર દ્વારા સંદેશો પાઠવ્યો. ‘બેટા કૃતપુણ્ય ! ઘર મૂકતાં બાર બાર વર્ષ થઈ ગયા છે હજી સુધી તું ઘર તરફ નજર કરતો નથી એ તારા જેવા સુપુત્રને યોગ્ય નથી. તારા માતા પિતા વૃદ્ધ થયા છે. તારી ચાતક પક્ષીની જેમ રાહ જુએ છે. તારી વિવાહિત પત્ની ધન્યા તારા વિરહમાં આંસુ સારે છે. તારા વિરહમાં તેણે બાર બાર વરસ તે બારયુગ જેવા વીતાવ્યા છે. વત્સ! તું ઘરે આવી ધન્યાને ધન્ય બનાવ. તું તો અમને સદંતર ભૂલી ગયો છે પરંતુ અમે તને એકક્ષણ પણ વિસરી શક્યા નથી. પત્રના અક્ષર રૂપે પણ તારા દર્શન દુર્લભ બન્યા છે. બેટા! અમારા શરીરનો કોઈ ભરોસો નથી. તું વખત સર પાછો આવી ઘર અને દુકાનનો કારભાર સંભાળ, વધુ શું કહેવું ? તું સ્વયં સુજ્ઞ છે.’
માતા પિતાના વાત્સલ્યનું ઝરણું પત્રના અક્ષરોમાં ખળખળ નાદે વહી રહ્યું હતું. કપટી અક્કા રંગસુંદરીએ પ્રથમ તો આ પત્ર દબાવી દેવાનો વિચાર કર્યો પરંતુ કંઈક વિચારીને તેણે