________________
૧૯
અધર, પ્રશસ્ત વક્ષપ્રદેશ અને કૃષ્ણપક્ષ સમી શ્યામ ઝૂલતી અલકલટો, સપ્રમાણ, ઘાટીલાં, મરોડદાર અને સુવાળાં મખમલ જેવાં અંગોપાંગ જોઈ ગમેતે પુરુષનું મન વિશ્વામિત્રની ભૂમિકાને દોહરાવવામાં લેશમાત્ર સંકોચ ન કરે. અનંગસુંદરીના કૌમાર્ય તેજ પર કૃતપુણ્યની દૃષ્ટિ પડી. શું એ લાવણ્ય ! શું એ ઠસ્સો ! બીજી જ ક્ષણે કૃતપુણ્યે દૃષ્ટિ પાછી ખેંચી લીધી.
અનંગસુંદરીએ કૃતપુણ્યને પોતાની તરફ ખેંચવા દાવપેચ શરૂ કર્યા. તેણે વીણાવાદન શરૂ કર્યું. તેના કંઠમાંથી નીકળતા સુમધુર સ્વરો જાણે સાક્ષાત સરસ્વતી દેવી વીણાવાદન ન કરી રહી હોય ! કૃતપુણ્યના કર્ણપટ પર વીણાના સૂરો અથડાયા. તે આનંદવિભોર બન્યો. તેની અંદરનો અગાધ પ્રેમસાગર ખળભળ્યો. બાજ નજરવાળી અનંગસુંદરીએ ઝીણવટથી અવલોકન કર્યું. તેણે ચંદ્રની ચાંદની રાત્રિએ કૃતપુણ્યને વશ કરવા સંગીતના સાદે નૃત્યકળા પ્રારંભ કરી. જાણે વિશ્વામિત્રની તપશ્ચર્યા ભંગ કરવા ઉર્વશી ન આવી હોય ! કૃતપુણ્યના હાથમાં શરાબનો પ્યાલો આપ્યો. ઘટમાં ઘોડા થનગની રહ્યા હતા. યૌવન પાંખ વીંઝી રહ્યું હતું.
ખીસકોલીની જેમ કામણગારી વેશ્યાની નજર કૃતપુણ્યના રૂપવંતા દેહ પર ચઢ ઉતર કરતી હતી. કૃતપુણ્ય પણ તેના તરફ ક્યારેક ત્રાંસી આંખ કરી જોઈ લેતો. રંભા જેવી સ્વરૂપવાન અને કલાનિપુણ અનંગસુંદરીના કામબાણોથી બચીને કૃતપુણ્ય વધુ વખત ન રહી શક્યો. શરાબ, સંગીત અને મનમોહક નૃત્યથી વિરાગી મનનો કૃતપુણ્ય અચાનક બદલાઈ ગયો. ધનનો વરસાદ વરસતો ગયો, તેમ તેમ કૃતપુણ્યને રીઝવવા મુગ્ધ અનંગસુંદરીના પ્રયત્નો વધતા ગયા.
નિખાલસ અને ધર્મ પ્રત્યે અપૂર્વ આસ્થા રાખનારા કૃતપુણ્યના સ્વભાવે અણધાર્યો પલટો ખાધો. કૃતપુણ્ય કામદેવનો દાસ બન્યો. તેને હવે સંસારના સુખો ગમવા લાગ્યા. સર્વવિરતીનો પંથ ભૂલાવા માંડ્યો. સંગીત, નૃત્ય । અને ભોગવિલાસ પ્રત્યેની પ્રીતિ પ્રતિદિન વધવા માંડી. કાવ્યવિનોદને બદલે વેશ્યા વિનોદમાં રુચિ વધતી ગઈ. વૈરાગ્યની વાસનાને બદલે શૃંગારિક સંગીતમાં તે મગ્ન બન્યો. તે આખોને આખો આમૂલચૂલ પલટાઈ ગયો. રતિ સમાન રમણીને છોડીને વેશ્યાની વિલાસ ભૂમિમાં આનંદ માનવા લાગ્યો.કળીને જોઈને ભમરો આકર્ષાય તેમ અનંગસુંદરીના ઉલ્લસિત સૌંદર્યથી કૃતપુણ્ય તેના તરફ ખેંચાયો. મેઘના આગમનથી સૂકી ધરતી લીલીછમ બને, તેમ અનંગસેનાના આગમનથી કૃતપુણ્યના જીવનમાં હરિયાળી છવાઈ ગઈ. અહો ! કેવો મોહનો પ્રભાવ ?
અહો! સંગતની કેવી અસર? ક્યાં ગોપીચંદની માતા મૈનાવતી અને ક્યાં કૃતપુણ્યની માતા સુભદ્રા ? ક્યાં દેવભદ્ર અને યશોભદ્રની માતા અને ક્યાં અરણિકની માતા!! સંસારી ભોગવિલાસમાં ખૂંચેલા પોતાના પુત્ર ગોપીચંદને મૈનાવતીએ એક ઉપદેશક શિક્ષા આપતાં કહ્યું, ‘“હે પુત્ર! તું એક દિવસ કાળના મુખમાં કોળિયો બની જઈશ. તારા ભોગવિલાસને જોતાં દુ:ખથી મારી આંખો ભીની થાય છે.
આ ભોગવિલાસ તને મનુષ્યપણાની મહત્તાથી પતિત કરાવશે. વત્સ! આ ભોગો જ તને દુર્ગતિમાં ખેંચીને લઈ જશે.’’ આવા હિત વચનોથી ગોપીચંદના હ્રદયમાં વૈરાગ્યનો દીપ પ્રગટયો. સુભદ્રાએ પુત્રને સન્માર્ગેથી ઘસીટી ઉન્માર્ગે દોર્યો. અહો! માતાની સુજ્ઞ અને અજ્ઞ દશાથી સંતાનને કેવો લાભ-અલાભ